છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય વહીવટી વડા અને કલેક્ટર ગાર્ગી જૈનના કાફલાને પાવીજેતપુર નજીક અકસ્માત નડ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પોતાની સરકારી ઇનોવા કારમાં છોટાઉદેપુરથી બોડેલી ખાતે સત્તાવાર કામગીરી અર્થે જઈ રહ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરની કારનો અકસ્માત

દરમિયાન, પાવીજેતપુર અને દેવલીયા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બોલેરો કારે કલેક્ટરની ઇનોવા કારને જોરદાર ટક્કર મારી હતી. આ ભયંકર અકસ્માતમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું.અકસ્માત એટલો ત્રાસદાયક હતો કે ગાડીમાં બેઠેલા અધિકારીઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે, સદ્ભાગ્યે કલેક્ટર ગાર્ગી જૈન અને તેમની સાથે તૈનાત સિક્યુરિટી સ્ટાફનો અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. પરંતુ ગાડી ચલાવી રહેલા સરકારી ડ્રાઇવરને ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત સર્જનાર ચાલકની અટકાયત

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર બોલેરો કારના ચાલકની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે. પોલીસે આ મામલે સત્તાવાર ગુનો નોંધીને બોલેરો ચાલકની બેદરકારી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: કોઠારિયા રણુજા મંદિર સામે 17 કરોડના ખર્ચે બનશે 22 મીટર પહોળો નવો ઓવરબ્રિજ