ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે આજે છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાના 'જનજાતીય ગૌરવ દિવસ' ની અત્યંત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુરના SN કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરીને આ રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ ભવ્ય રોડ શોમાં જોડાઈને જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ આદિવાસી બાંધવોને ₹2311 કરોડના લાભો, 109 વિકાસ કામોની ભેટ તેમજ 18,828થી વધુ લાભાર્થીઓને વન અધિકાર પત્રો એનાયત કર્યા હતા.
આદિવાસી વિસ્તારો માટે ₹2311 કરોડના લાભો અને 109 વિકાસ કામોની ભેટ
રાજ્યકક્ષાના જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલા વિકાસલક્ષી લાભો.. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે જનજાતીય ગૌરવ દિવસને વિકાસના કામોનો દિવસ બનાવ્યો છે. આજે આદિવાસી વિસ્તારોમાં કુલ ₹2311 કરોડના વિવિધ લાભો તેમજ 109 વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત 18,828થી વધુ લોકોને વન અધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા છે, જ્યારે 27,323 જેટલા વ્યક્તિગત લાભો સીધા લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.
આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ
મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી 5 વર્ષમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે 2 લાખ કરોડ રૂપિયાના વિકાસકામોનું આયોજન કરવામાં આવ્યું છે.આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને 22,500થી વધુ સ્માર્ટ ક્લાસ શરૂ થવાથી શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. આ ઉપરાંત સ્થાનિક ઉત્પાદનો અને રોજગારીને વેગ આપવા માટે સાપ્તાહિક હાટ પણ શરૂ કરવામાં આવ્યા છે.
'જરૂર પડી ત્યારે આદિવાસી સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે': CM ભૂપેન્દ્ર પટેલ
જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી સમાજના ગૌરવશાળી ઈતિહાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થયેલા પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. CM એ જણાવ્યું હતું કે આપણી વિવિધતાસભર સંસ્કૃતિમાં આદિવાસી સમાજનું આગવું મહત્વ છે અને આ સમાજની બલિદાનની ભાવના અત્યંત વિશિષ્ટ રહી છે. દેશ અને સમાજને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે આદિવાસી સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે.મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે અને તેમની જનકલ્યાણકારી નીતિઓને કારણે દેશના 50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
આ પણ વાંચો: Rajkot: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય 7 મહિનાથી અટકી; 190 ગૌશાળાના 43,535 પશુઓનો નિભાવ મુશ્કેલ