નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તડવી મેહુલ કુમાર પ્રકાશભાઈની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં પંચાયતના 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સભ્યોએ ગત 14 ઓક્ટોબરે તલાટીને લેખિત નોટિસ આપી નિયમ મુજબ ખાસ બેઠક બોલાવવાની માગ કરી હતી. સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે સરપંચ દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના વહીવટી અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવે છે.સરકારી ગ્રાન્ટ, નાણાકીય હિસાબો અને વાર્ષિક અંદાજપત્ર અંગે સભ્યોને પૂરતી માહિતી આપવામાં આવતી નથી.ઉપરાંત 5 લાખની રકમ ડિપોઝિટ પેટે જમા કરાવવા સહિતના નાણાકીય વ્યવહારોમાં નિયમોનું પાલન ન થયું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે આજે મોટી બબાલ શરૂ થઈ હતી.
વિવાદે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી ગ્રામ પંચાયતમાં સ્થાનિક રાજકીય ગતિવિધિઓ વચ્ચે અચાનક ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.નસવાડી ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ સામે સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.આ અવિશ્વાસની દરખાસ્ત અંગે નિર્ણય કરવા માટે પંચાયત કચેરી ખાતે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જોકે આ નિયત મિટિંગ વિધિવત રીતે શરૂ થાય તે પૂર્વે જ માહોલ તંગ બની ગયો હતો.પંચાયતના સભ્યો મિટિંગમાં ભાગ લેવા માટે ગ્રામ પંચાયત પરિસરમાં આવી પહોંચ્યા કે તરત જ ત્યાં ભારે હોબાળો અને વિરોધ શરૂ થઈ ગયો હતો.સભ્યોના આગમનની સાથે જ શરૂ થયેલા આ વિવાદે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
