ગુજરાત વિધાન સભાના ઈતિહાસમાં સૌથી સીનિયર અને કદાવર આદિવાસી નેતાઓ પૈકીના એક એવા પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવા હવે આપણી વચ્ચે નથી રહ્યા. 82 વર્ષની જૈફ વયે લાંબી બીમારી બાદ આજે તેમનું નિધન થયું છે. તેમના અવસાનથી છોટાઉદેપુર અને પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોએ પોતાનો સાચો અને મજબૂત અવાજ ગુમાવ્યો છે. મોહનસિંહ રાઠવા માત્ર એક રાજકારણી નહોતા, પરંતુ તેઓ આદિવાસી સમાજના સામાજિક ઉત્થાન અને વનબંધુઓના અધિકારો માટે સતત લડનારા જનતાના સાચા પ્રતિનિધિ હતા.
10 વખત ધારાસભ્ય બનવાનો ઐતિહાસિક રેકોર્ડ
મોહનસિંહ રાઠવાની રાજકીય કારકિર્દી એટલી ભવ્ય રહી છે કે તેની બરાબરી કરવી કોઈ પણ રાજનેતા માટે અશક્ય છે. તેઓ વર્ષ ૧૯૭૨ માં પહેલીવાર સંસ્થા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ બદલાતા રાજકીય પ્રવાહો વચ્ચે પણ જનતાનો તેમના પરનો ભરોસો ક્યારેય ડગ્યો નહીં. તેઓ ૧૯૭૫માં સંસ્થા કોંગ્રેસ, 1980 અને 1985માં જનતા પાર્ટી, 1990 માં જનતા દળ, 1995 માં જનતા દળ ગુજરાત અને ત્યારબાદ 1998, 2007, 2012અને 2017 માં કોંગ્રેસ પક્ષમાંથી સતત ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા હતા. ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી તરીકે કાર્યકાળ સંભાળી તેમણે વનવાસીઓ માટે અનેક કલ્યાણકારી નિર્ણયો લીધા હતા.
