છોટાઉદેપુર શહેરના ઐતિહાસિક કુસુમ સાગર તળાવમાં રવિવારની વહેલી સવારે એક પુરૂષનો મૃતદેહ તરતો મળી આવતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તળાવમાં ગંગેશ્વર મંદિર પાસેના ભાગે મૃતદેહ હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
મૃતક સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનો ખુલાસો
ઘટના અંગે તપાસ હાથ ધરતાં મૃતકની ઓળખ કનુ નાયકા તરીકે થઈ છે. તેઓ છોટાઉદેપુર તાલુકાની દડીગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતાની આદરણીય ફરજ બજાવતા હતા. શિક્ષકના અચાનક અવસાનના સમાચારથી તેમના પરિવારજનો, દડીગામ શાળા પરિવાર તેમજ શિક્ષણ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કઈ રીતે બની આ દુઃખદ ઘટના?
મળતી વિગતો અનુસાર, કનુ નાયકા વહેલી સવારે રોજિંદા ક્રમ મુજબ કુસુમ સાગર તળાવ કિનારે વોકિંગ માટે નીકળ્યા હતા. વોકિંગ દરમિયાન તળાવમાં ખીલેલા કમળના ફૂલ જોઈને તેઓ તેને લેવા માટે તળાવના કિનારે નીચે ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે હાથ ધરી કાર્યવાહી
સ્થાનિકો દ્વારા આ દુર્ઘટનાની જાણ કરવામાં આવતાં જ છોટાઉદેપુર પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોની ટીમે ભારે જહમત બાદ શિક્ષકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો - Chhota Udepur: ગઢ બોરિયાદ ગ્રૂપ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ