છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણીમાં બુધવારના રોજ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ ખેડૂત મતદારો મતદાન મથકો પર પહોંચ્યા હતા અને રેકોર્ડબ્રેક 97% જેટલું ભારે મતદાન નોંધાયું હતું.
533 માંથી 516 ખેડૂતોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
નસવાડી બજાર સમિતિની આ ચૂંટણીમાં કુલ 533 નોંધાયેલા ખેડૂત મતદારો હતા. જેમાંથી 516 જેટલા જાગૃત ખેડૂત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ પર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આટલું ઊંચું મતદાન થતાં ચૂંટણી માહોલમાં ગરમાવો આવી ગયો છે.
વિકાસ કે પરિવર્તન? બજારમાં ચર્ચાઓનો દોર શરૂ
ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આ ધમધોકાર મતદાનને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. ભાજપ પ્રેરિત પેનલના વિકાસના દાવાઓ સામે ખેડૂતોએ મતદાન કર્યું છે કે, પછી કોઈ મોટા પરિવર્તનના એંધાણ છે, તે મુદ્દો હાલ સમગ્ર નસવાડી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

20 ઉમેદવારોનું ભાવી સીલ, 10 સપ્ટેમ્બર સવારે 9 વાગ્યે મતગણતરી
આ ચૂંટણી જંગમાં ઝુકાવનારા કુલ 20 ખેડૂત ઉમેદવારોનું રાજકીય ભાવી મતદાન પૂર્ણ થતાં જ મતપેટીઓમાં સીલ થઈ ગયું છે. તમામ ઉમેદવારો અને તેમના સમર્થકો હવે પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 10 સપ્ટેમ્બરની સવારે 9:00 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે નસવાડી APMC નો તાજ કોના શિરે સજશે.
આ પણ વાંચો: PM Modiના ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ