ચોટીલા પંથકમાં જમીન બાબતે ચાલી રહેલી તકરાર હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.ફરિયાદી વેપારી કિરીટભાઈ પોતાની ઓફિસમાં અન્ય લોકો સાથે હાજર હતા, તે સમયે અગાઉથી ચાલતા જમીન વિવાદને કારણે આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા.આરોપીઓએ ઓફિસ પરિસરમાં પ્રવેશ કરીને વેપારીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી.ત્યારબાદ પિસ્તોલથી ઓફિસમાં બેઠેલા વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે.
ગોળી દિવાલમાં અથડાતા જોરદાર અવાજ થયો
આ હુમલાને પગલે ઓફિસમાં એકાએક ગભરાટનો માહોલ પેદા થયો હતો.સદભાગ્યે હુમલાખોરો દ્વારા ચલાવવામાં આવેલી ગોળી વેપારીને વાગવાને બદલે ઓફિસના દરવાજા અને દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.ગોળી દિવાલમાં અથડાતા જોરદાર અવાજ થયો હતો.પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈને શારીરિક ઈજા થઈ ન હતી.ઘટનાના સમયે ઓફિસમાં અન્ય લોકો પણ હાજર હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેના કારણે ઉપસ્થિત તમામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ચોટીલામાં ઓફિસમાં ઘૂસીને કરવામાં આવેલા આ ફાયરિંગથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.આ મામલે ફરિયાદી કિરીટભાઈ દ્વારા સુરેન્દ્રનગર પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
