આજથી સમગ્ર રાજ્યમાં આદ્યશક્તિની આરાધનાના પરમ પવિત્ર પર્વ આસો નવરાત્રિ મહોત્સવનો અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પ્રથમ નોરતે જ શ્રદ્ધાળુઓનું વિશાળ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ ચોટીલા તળેટી તેમજ ડુંગર પરિસર ‘જય માતાજી’ અને ‘બોલો ચામુંડા માત કી જય’ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઊઠ્યું છે.

11 થી 19 ઓક્ટોબર સુધી ભવ્ય નવરાત્રિ મહોત્સવ

ચોટીલા ડુંગર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા આસો નવરાત્રિ પર્વને લઈને વિસ્તૃત ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.આ ધર્મોત્સવ 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી સતત ૯ દિવસ સુધી ધામધૂમથી ઉજવાશે.નવરાત્રિના નવે-નવ દિવસ દરમિયાન માતાજીના દરબારમાં વિશેષ પૂજા, અર્ચના, હવન તેમજ શણગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રથમ નોરતે વહેલી સવારની મંગળા આરતીના દર્શન કરવા માટે દૂર-દૂરથી આવેલા ભક્તો મોડી રાતથી જ કતારમાં ગોઠવાઈ ગયા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ડુંગર પર ભક્તોની ભીડ નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થાઓ

હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ડુંગર ચડવા-ઊતરવાના માર્ગો પર ભક્તોને ધક્કામુક્કી ન થાય તે માટે વન-વે ટ્રાફિકિંગ અને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.પગથિયાં પર શ્રદ્ધાળુઓ માટે છાંયડો, પીવાના શુદ્ધ પાણીના પોઈન્ટ્સ તેમજ પ્રાથમિક સારવારની મેડિકલ ટીમો ખડેપગે તૈનાત રાખવામાં આવી છે.વૃદ્ધો અને અશક્ત ભક્તો માટે ડોળીવાળાઓ તેમજ સુરક્ષા જવાનો દ્વારા વિશેષ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Aravalli: શામળાજીના ગલીસેમરો ગામે લહેરાતા હતા ગાંજાના 169 લીલાછમ છોડ; FSL તપાસ બાદ પોલીસે ખેડૂતને દબોચ્યો