અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા બ્રિજ પાસેથી એક અત્યંત સંવેદનશીલ અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં બ્રિજ નજીક બિનવારસી હાલતમાં એક તાજી જન્મેલી જીવિત બાળકી મળી આવી હતી. બાળકીને જન્મ બાદ તરત જ તરછોડી દેવામાં આવી હોય તે રીતે ગર્ભનાળ (મેલી) સાથે જ જાહેરમાં ફેંકી દેવામાં આવી હતી. આ બાબત સ્થાનિક રહીશો અને રાહદારીઓના ધ્યાને આવતાં તેમણે તુરંત જ બાવળા પોલીસ તેમજ 108 ઇમરજન્સી ટીમને જાણ કરી હતી.

108 ની ટીમે સ્થળ પર પ્રાથમિક સારવાર આપી

બનાવ અંગેની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. 108 ના તબીબી સ્ટાફે ત્વરિત કામગીરી દાખવીને નવજાત બાળકીને સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. સદનસીબે સમયસર સારવાર મળી જતાં બાળકી હાલ તંદુરસ્ત અવસ્થામાં છે. ત્યારબાદ વધુ સંભાળ અને આઈસોલેશન માટે બાળકીને બાવળા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સરકારી હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રક્રિયા શરૂ

બાવળા સરકારી હોસ્પિટલના આરોગ્ય વિભાગ દ્વારા બાળકીની શારીરિક પરિસ્થિતિ પર સતત નજર રાખીને જરૂરી તબીબી તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, માસુમ બાળકીને આ રીતે બિનવારસી હાલતમાં ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતા કે જવાબદારોને શોધી કાઢવા માટે બાવળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા સાથે નજીકના પ્રસુતિ કેન્દ્રોમાં વિગતો એકત્રિત કરી આગળની તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Narmada Damમાં પાણીની બમ્પર આવક, ઉપરવાસમાંથી 58,525 ક્યુસેક પાણી ઠલવાતાં સપાટી 135.75 મીટરે પહોંચી!