દિવાળીના આગામી તહેવારોને અનુલક્ષીને ગુજરાત-મહારાષ્ટ્ર આંતરરાજ્ય સરહદ પર પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન ડાંગ જિલ્લામાં આવેલી સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમી અને સઘન વાહન ચેકિંગના આધારે હેલ્મેટના બોક્સની આડમાં રાજ્યમાં ઘુસાડવામાં આવતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી બે શખ્સોને જેલહવાલે કર્યા છે.
હેલ્મેટના 140 બોક્સની પાછળ છુપાવી હતી દારૂની બોટલો
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ ટીમ સરહદી વિસ્તારમાં પેટ્રોલીંગ અને વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી એક બોલેરો મેક્સી ટ્રકને અટકાવવામાં આવી હતી. પોલીસે જ્યારે ટ્રકની તલાશી લીધી ત્યારે ઉપર હેલ્મેટના બોક્સ ગોઠવેલા હતા, પરંતુ તેની પાછળ કાળજીપૂર્વક વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
3,696 દારૂની બોટલો અને બીયર સાથે 8.39 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ગેરકાયદેસર જથ્થાની ગણતરી કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 3,696 બોટલો તેમજ 103 ટીન બીયર મળી આવ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે દારૂ ભરેલા 140 હેલ્મેટ બોક્સ, ગુનામાં વપરાયેલી બોલેરો મેક્સી ટ્રક અને 2 મોબાઇલ ફોન મળીને કુલ અંદાજે ₹8,39,950 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

હરિયાણા અને રાજસ્થાનના 2 આરોપીઓની ધરપકડ, પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ
આ ગેરકાયદે હેરાફેરીના મામલે સાપુતારા પોલીસે હરિયાણા અને રાજસ્થાનના રહેવાસી એવા 2 આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. તહેવારો દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા ડાંગ પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Dang: સાપુતારાની મહિલાની ફેક ID બનાવી ફોટો ફરતા કરનાર મહારાષ્ટ્રથી પકડાયો