અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાજુલાના દાતાર વિસ્તાર પાસે સોમનાથ તરફથી પૂરઝડપે આવી રહેલી એક તુફાન ગાડીએ રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને જોરદાર અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જનારું વાહન નડિયાદ પાસિંગનું હોવાનું ખુલ્યું
પ્રાપ્ત વિગતો મુજબ, અકસ્માત સર્જનારી તુફાન ગાડી નડિયાદ પંથકની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અકસ્માતની આ કરુણ ઘટના બનતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ 112 (Emergency Response Support System), 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

