અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાળા વિસ્તાર અંતર્ગત આવતા લાખાપાદર ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો છે. આ રેડ દરમિયાન લાખો રૂપિયાનો દેશી દારૂ, વોશ અને મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ફરાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.

ચલાળા પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી

અમરેલી જિલ્લાના ધારી વિસ્તારના ચલાળા પંથકમાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર આખરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી છે. ચલાલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા લાખાપાદર ગામે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે SMC એ અચાનક ઓપરેશન પાર પાડતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

દેવજી વાઘેલાના મકાનમાંથી દેશી દારૂનું મસમોટું નેટવર્ક પકડાયું

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાખાપાદર ગામે રહેતા દેવજી વાઘેલાના રહેણાંકી મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન મકાનમાંથી અને આસપાસના વિસ્તારમાંથી મોટા પાયે દેશી દારૂ બનાવવાનું કૌભાંડ મળી આવ્યું હતું. SMC ની ટીમે સ્થળ પરથી આશરે 251 લીટર દેશી દારૂ, 2595 લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો વોશ તેમજ 1104 કિલોગ્રામ ગોળ સહિત કુલ રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Amreli News SMC conducts major raid in Lakhapadar village of Chalala exposes country liquor network

બે આરોપીઓની ધરપકડ, અન્ય શખ્સો સામે ગુનો દાખલ

આ દરોડા દરમિયાન SMC ની ટીમે ઘટના સ્થળેથી દેવજી ઉર્ફે દેવો વાઘેલા અને મુકેશ ઉર્ફે મૂકલો બાબરીયા નામના બે મુખ્ય શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જ્યારે આ રેડને પગલે અન્ય સંડોવાયેલા અન્ય ફરાર શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ મામલે ચલાલા પોલીસ સ્ટેશનમાં કુલ 7 શખ્સો સામે કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Amreli: સફારી પાર્કમાં સિમ્બા સિંહના વાયરલ વીડિયો અંગે ધારી ઇન્ચાર્જ ACF અમિત વાણીયાએ સત્ય હકીકત કરી ઉજાગર