ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પોલીસ બેડાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI શ્યામભાઈ અનંતરાય બગડાએ એક નાગરિક પર દેશી દારૂનો ધંધો ફરીથી શરૂ કરવા માટે સતત દબાણ કર્યું હતું. જો ધંધો શરૂ નહીં કરે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને હપ્તા પેટે લાંચની માગણી કરવામાં આવી હતી.

10 હજારની માગણી બાદ 5 હજાર નક્કી થયા

ASI શ્યામ બગડા દ્વારા ગેરકાયદેસર દારૂનો ધંધો શરૂ કરવાના અવેજીમાં 10000 ની લાંચ માગવામાં આવી હતી. જોકે, ફરિયાદી સાથેની રકઝકના અંતે લાંચની રકમ 5000 નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે હિંમત દાખવીને તાત્કાલિક અમરેલી એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

ઓળીયા ગામની સીમમાં ACBએ ગોઠવ્યું સફળ છટકું

જાગૃત નાગરિકની ફરિયાદના આધારે અમરેલી ACBની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના ઓળીયા ગામની સીમમાં નક્કી કરાયેલી જગ્યા પર જ્યારે ASI શ્યામ બગડા ફરિયાદી પાસેથી રૂ. 5000ની લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ ACBની ટીમે દરોડો પાડીને તેમને સ્થળ પર જ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

Amreli News: Savarkundla Rural Police ASI Caught Red-Handed Taking ₹5,000 Bribe

પોલીસ બેડામાં સન્નાટો, ACB દ્વારા કાયદેસરની તપાસ શરૂ

ACB ની ટીમે સ્થળ પરથી લાંચની રૂ. 5000 ની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે. પોતાના જાહેર હોદ્દાનો દુરૂપયોગ કરીને લાંચ લેવા બદલ ASI શ્યામભાઈ બગડા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાખી વર્ધીને દાગ લગાડતી આ ઘટનાથી અમરેલી અને સાવરકુંડલા પોલીસ બેડામાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. ACB એ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Amreli News : રાજુલા નજીક પીપાવાવ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ગંભીર ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત