આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઈ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અને VCE ઓપરેટરને લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.સરકારી કામકાજ માટે લાંચની માંગણી કરનાર લાંચિયા કર્મચારીઓ સામે એસીબીએ કડક કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદીની ખેતીની જમીનના રેકોર્ડમાં વારસાઈ હક મુજબ નામ ચઢાવવા માટે પેઢીનામાની જરૂર હતી.આ કામ માટે ફરિયાદી પીપળોઈ ગ્રામ પંચાયત કચેરીએ ગયા હતા. જ્યાં તલાટી કૈવન શાહ અને VCE ઓપરેટર શૈલેષ મકવાણાએ પેઢીનામું બનાવી આપવાના બદલામાં 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
પેઢીનામા માટે 10 હજારની માંગ, 8 હજારમાં સોદો
અરજદારે લાંચ આપવાની અનિચ્છા દર્શાવતા અંતે રકઝક બાદ લાંચની રકમ 8 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી હતી.લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ આ અંગે આણંદ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે એસીબીના પી.આઈ.આર.એન.વિરાણી અને તેમની ટીમે પીપળોઈ ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન VCE ઓપરેટર શૈલેષ મકવાણાએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી.













