ગુજરાતનો વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતો કચ્છનો દરિયાકાંઠો ફરી એકવાર કડક સુરક્ષા ઘેરા હેઠળ આવ્યો છે. દેશની દરિયાઈ સરહદોની રક્ષા માટે રાત-દિવસ તૈનાત સુરક્ષા એજન્સીઓ દ્વારા કચ્છ બોર્ડર પર સતર્કતા વધારી દેવામાં આવી છે. આ અંતર્ગત જળસીમા અને કાંઠા વિસ્તારની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે મરીન કમાન્ડો દ્વારા સઘન અને આક્રમક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.


પીપરથી રોડાસર સુધીના 5 કિલોમીટર વિસ્તારમાં કમાન્ડોનું ફૂટ પેટ્રોલિંગ

કચ્છના ક્રિક અને દરિયાઈ પટ્ટી પર મોનિટરિંગ વધારવા માટે મરીન કમાન્ડોના જવાનો દ્વારા પીપરથી લઈને રોડાસર સુધીના દુર્ગમ વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 


કમાન્ડોની ટીમે આ વિસ્તારોમાં વાહનો કે બોટ સિવાય સીધું જમીની સ્તરે ઉતરીને 5 કિલોમીટર કરતા પણ વધુ લાંબા અંતર સુધી સઘન 'ફૂટ પેટ્રોલિંગ' કર્યું હતું. 


કાંઠાના પથરાળ અને કાદવ-કીચડવાળા વિસ્તારો ખૂંદીને જવાનોએ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.


આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ્સ હેરાફેરી અને દાણચોરી ડામવા ઓપરેશન

પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં સમુદ્ર માર્ગે થતી આતંકવાદી પ્રવૃત્તિઓ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની હેરાફેરી, સોના-ચાંદી કે અન્ય ચીજોની દાણચોરી તેમજ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હિલચાલને નેસ્તનાબૂદ કરવા માટે આ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. 


મરીન કમાન્ડોની ટીમોએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરતી શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓ, જૂના પડતર મકાનો તેમજ શંકાસ્પદ ઇસમોની કડક પૂછપરછ અને તપાસ હાથ ધરીને સરહદને સંપૂર્ણપણે લોક કરી દીધી છે.


આ પણ વાંચો - Kutch News: કેનાલ અને તળાવમાં ડૂબી જવાથી 3 લોકોના મોત


  • Follow us on: