ગુજરાતને હચમચાવી મૂકે તેવી એક અત્યંત પાશવી અને ક્રૂર ઘટના આણંદ જિલ્લાના વાસદ રેલ્વે સ્ટેશન પર બની છે, જેણે કાયદો-વ્યવસ્થા અને રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. એક ગરીબ પરિવાર વાસદ રેલ્વે સ્ટેશનની ટિકિટ બારી નજીકના ખુલ્લા પરિસરમાં રાત્રિના સમયે સૂતો હતો. આ પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ દીકરી પણ માતા-પિતાની પડખે સૂતી હતી. આ દરમિયાન મધ્યરાત્રિએ એક અજાણ્યો નરાધમ યુવક ત્યાં ત્રાટક્યો હતો. પરિવાર ઘસઘસાટ સૂતો હોવાનો લાભ ઉઠાવી આ પાપી નરાધમ સાડા ચાર વર્ષની માસૂમ કળીને ત્યાંથી ચૂપચાપ ઉઠાવી ગયો હતો.

બાળકી પર કથિત દુષ્કર્મ બાદ હત્યા

બાળકી ગાયબ હોવાની વહેલી સવારે ખબર પડતાં જ પરિવારે ભારે શોધખોળ આદરી હતી. આ દરમિયાન વાસદ રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પરથી માસૂમ બાળકીનો લોહીલુહાણ અને ક્ષત-વિક્ષત થઈ ગયેલો મૃતદેહ મળી આવતા સ્ટેશન પર ચીસાચીસ અને માતમ છવાઈ ગયો હતો. ઘટનાની ભયાનકતા જોતાં પ્રાથમિક તપાસમાં જ સામે આવ્યું છે કે નરાધમે બાળકીનું અપહરણ કર્યા બાદ રેલ્વે ટ્રેકની આસપાસ અવાવરુ જગ્યાએ તેની પર હેવાનિયતભર્યું દુષ્કર્મ ગુજાર્યું હતું. પુરાવા નાશ કરવા અને પકડાઈ જવાની બીકે, રાત્રિના સમયે ત્યાંથી પસાર થતી કોઈ સ્પીડ ટ્રેન નીચે માસૂમને ફેંકી દેવામાં આવી હતી, જેથી ટ્રેનની નીચે કચડાઈ જવાથી બાળકીના શરીરના ચિથડા ઉડી ગયા હતા અને તેનું કરુણ મોત નીપજ્યું હતું.

CCTV માં કેદ થયેલો કાળમુખો અને FSL તપાસ

ઘટનાની લિંક મેળવવા માટે જ્યારે પોલીસે રેલ્વે સ્ટેશનના સીસીટીવી (CCTV) કેમેરા ચેક કર્યા, ત્યારે પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. રાત્રિના સમયે એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને પોતાના હાથમાં તેડીને પ્લેટફોર્મ અને રેલ્વે ટ્રેક તરફ લઈ જતો સ્પષ્ટપણે કેદ થયો છે. આ ઉપરાંત ઘટનાસ્થળની નજીક સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને બાળકીની લેંગી મળી આવી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે બાળકીની હત્યા પહેલા તેની સાથે ભયાનક કૃત્ય આચરવામાં આવ્યું હતું.

નરાધમ હત્યારાને પકડવા માટે નાકાબંધી

ઘટનાની ગંભીરતાને પગલે આણંદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વાસદ લોકલ પોલીસ અને રેલ્વે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ (FSL) ની સ્પેશિયલ ટીમને બોલાવવામાં આવી છે, જેણે બાળકીના વસ્ત્રો અને ટ્રેક પરથી સેમ્પલ લીધા છે જેથી મેડિકલ બળાત્કારની કાનૂની પુષ્ટિ થઈ શકે. પોલીસે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા અને બાતમીદારોમાં વહેતા કરીને નરાધમ હત્યારાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી કરી છે. 

આ પણ વાંચો: Panchmahal: પાનમ ડેમની સપાટી ઘટતાં ખેડૂતોની વહારે આવ્યું તંત્ર, પાક બચાવવા કેનાલમાં 750 ક્યુસેક પાણી છોડાયું