પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાની હજારો હેક્ટર ખેતીની જમીન જેના પર નિર્ભર છે તે પાનમ જળાશયના ઉપરવાસમાંથી ચિંતાજનક સમાચાર આવ્યા હતા. ચાલુ ચોમાસાની સિઝનમાં શરૂઆતના રાઉન્ડ બાદ વરસાદે લાંબો વિરામ લેતાં પાનમ ડેમમાં પાણીની આવક તદ્દન બંધ થઈ ગઈ છે. ઉપરવાસમાંથી નવું પાણી ન આવવાને કારણે અને સતત બાષ્પીભવન તેમજ વપરાશના કારણે ડેમની જળસપાટીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, ગત ૫ જુલાઈના રોજ ડેમની સપાટી 127.90 મીટર હતી, જે ઉપરવાસની સુષ્ક સ્થિતિને કારણે ઘટીને 127.70 મીટર પર પહોંચી ગઈ હતી.

પાનમ ડેમમાં પાણીની આવક તદ્દન બંધ 

ડેમની સપાટી ઘટવાની સાથે જ ચોમાસાના પાકની વાવણી કરી ચૂકેલા ખેડૂતો જીવ અધ્ધર થઈ ગયા હતા. જો સમયસર પાણી ન મળે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડે તેમ હતો અને ઊભો પાક બળી જવાની સ્થિતિ સર્જાઈ હતી. પંથકના ધરતીપુત્રો દ્વારા સિંચાઈ માટે પાણી છોડવાની ઉગ્ર અને વ્યાપક માંગ કરવામાં આવી હતી.

સિંચાઈ વિભાગનો ત્વરિત નિર્ણય

ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાને રાખીને પાનમ સિંચાઈ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. જળાશયની ઓછી સપાટી હોવા છતાં ખેડૂતોના હિતમાં પાનમ મુખ્ય કેનાલના દરવાજા ખોલીને 750 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી કેનાલ નેટવર્ક મારફતે પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાના છેવાડાના ૧૦૦થી વધુ ગામો સુધી પહોંચાડવામાં આવશે. કેનાલમાં પાણી છોડાતા જ નહેરોની આસપાસના ખેતરો લીલાછમ થવાની આશા બંધાઈ છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. સિંચાઈ અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યાં સુધી વરસાદનો નવો રાઉન્ડ ન આવે ત્યાં સુધી ખેડૂતોના પાકને બચાવવા માટે કેનાલ દ્વારા પાણી પુરવઠો નિયંત્રિત રીતે ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો: Kadi: છત્રાલ રોડ પરના બે સ્પામાં પોલીસના દરોડા, વિદેશી યુવતીઓ પાસે કરાવાતો હતો દેહવ્યાપાર