અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના હાર્દ સમાન ગણાતા કોલેજ રોડ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક સોસાયટી વિસ્તારની નજીક એક મહિલાની છેડતી કરવાનો પ્રયાસ કરનાર લંપટ શખ્સને સ્થાનિક લોકોએ જાહેરમાં બરાબરનો પાઠ ભણાવ્યો છે. મહિલાની સતર્કતા અને સ્થાનિક લોકોના રોષના કારણે છેડતીખોર શખ્સને ભાગવાનો મોકો મળ્યો ન હતો અને તેને મેથીપાક ચાખવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.
મહિલાએ પાડી બૂમો અને લોકોએ વરસાવી લાતો
મળતી માહિતી મુજબ, મોડાસા કોલેજ રોડ પર આવેલી એક સોસાયટીના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી મહિલાની એક અજાણ્યા શખ્સે છેડતી કરવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી ગભરાઈ જવાને બદલે મહિલાએ બહાદુરી બતાવીને જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. મહિલાનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મામલો છેડતીનો હોવાનું માલૂમ પડતાં જ એકત્રિત થયેલા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ તે શખ્સને ઘેરી લીધો હતો અને લાતો-મુક્કાઓથી તેનો બરાબરનો સોથ બોલાવી દીધો હતો.
