અંબાજી અને આબુરોડ વચ્ચેના માર્ગ પર લુખ્ખાતત્વોનો ત્રાસ વધી રહ્યો છે.આ માર્ગ પરથી પસાર થતાં મુસાફરોએ હવે નીકળતાં પહેલાં ભારે સાવધાની રાખવી પડે તેવી સ્થિતિ છે.રસ્તા પર બેફામ બનેલા અસામાજિક તત્વો કોઈ પણ ડર વગર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે. હથિયારો સાથે સજ્જ ટોળકી દ્વારા લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.લુખ્ખાતત્વો ખુલ્લેઆમ હથિયારો લઈને ફરતા હોવાથી વાહનચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.છેલ્લા બે દિવસમાં જ હુમલાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે.આ બંને ઘટનાઓએ માર્ગ પરથી અવરજવર કરતા મુસાફરોની ચિંતામાં વધારો કર્યો છે.

મુસાફરોએ નીકળતા પહેલાં સંપૂર્ણ સાવધાન રહેવું જરૂરી

પ્રથમ ઘટના 21 ઓક્ટોબરના રોજ સામે આવી હતી.તે દિવસે 8 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો.આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક 8 શખ્સોની ધરપકડ પણ કરી લીધી હતી.પોલીસની આ કાર્યવાહી છતાં અસામાજિક તત્વોમાં કોઈ ડર રહ્યો નથી. ધરપકડના ગણતરીના સમયમાં જ 22 ઓક્ટોબરની રાત્રે ફરી બાઇક સવારોએ હુમલો કર્યો હતો.હથિયારો સાથે બાઇક પર આવેલા શખ્સોએ માર્ગ પર આતંક મચાવ્યો હતો.સતત બીજા દિવસે બનેલી આ ઘટનાને પગલે અંબાજીથી આબુરોડ માર્ગ પર સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે અગાઉ આરોપીઓને પકડ્યા હોવા છતાં ફરી હુમલો થતાં લોકોમાં ભય વ્યાપ્યો છે. આ સંજોગોમાં આબુરોડ માર્ગ પર મુસાફરોએ નીકળતા પહેલાં સંપૂર્ણ સાવધાન રહેવું જરૂરી છે.

અગાઉ બનેલી ઘટનામાં આરોપી ઝડપાયા

તાજેતરમાં અંબાજી હાઈવે પર સ્કૂટી પર સવાર નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર 5 આરોપીઓ તેમજ ખુલ્લેઆમ તલવાર અને છરી જેવા ઘાતક હથિયારો લહેરાવીને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં ભય ફેલાવનારા અન્ય 3 યુવકો સામે પોલીસે કડક કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.સિરોહી એસપી અજેય સિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડીએસપી જીતેન્દ્ર સિંહ રાઠોડ અને પીઆઈ લક્ષ્મણ સિંહ ચંપાવતની ટીમે સેંકડો સીસીટીવી ફૂટેજ અને સાયબર ટેકનિકલ ડેટાની મદદથી ગણતરીના દિવસોમાં જ આ સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલીને ગુનામાં વપરાયેલી 3 મોટરસાયકલ પણ જપ્ત કરી છે સોશિયલ મીડિયા પર દાદાગીરી બતાવનારા તત્વોમાં કડક સંદેશો આપ્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દક્ષિણ કોરિયાના ઉદ્યોગ સાહસિકો સાથે બેઠકો યોજશે