બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રણાવાડા ગામેથી એક મોટા અને ચર્ચાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે અગાઉની કોઈ બાબતને લઈને ચાલી રહેલી જૂની અદાવત અચાનક ઉગ્ર બની ગઈ હતી. મામલો એટલો વધી ગયો કે બંને જૂથો આમનેસામને આવી ગયા હતા અને ભારે ધીંગાણું મચી ગયું હતું. આ લોહિયાળ અથડામણને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

મારામારીમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રણાવાડા ગામે સર્જાયેલી આ મારામારીની ઘટનામાં સોમાભાઈ, રઘુભાઈ અને રમેશભાઈ પરમાર નામના ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જૂથ અથડામણ દરમિયાન થયેલા હુમલામાં ત્રણેય ઈજાગ્રસ્તો લોહીલુહાણ થઈ ગયા હતા, જેના કારણે ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

શિહોરી હોસ્પિટલથી વધુ સારવાર અર્થે પાટણ રિફર

ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબીબી સ્થિતિ ગંભીર હોવાને કારણે પ્રાથમિક સારવાર આપીને વધુ ચિકિત્સા અર્થે પાટણની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

Banaskantha News: 3 Injured in Group Clash Over Old Rivalry in Kankrej's Ranawada Village

શિહોરી પોલીસનો કાફલો ઘટના સ્થળે, બે આરોપીઓની ધરપકડ

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શિહોરી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ સક્રિયતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય શખ્સોને દબોચી લીધા છે.

પોલીસે હાથ ધરી સઘન તપાસ

ઘટના અંગે શિહોરી પોલીસે ગુનો નોંધીને પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે. આ મામલામાં અન્ય કયા કયા લોકો સામેલ હતા અને આ ખૂની અથડામણ પાછળનું મૂળ કારણ શું હતું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Banaskantha News: ડીસા બનાસ નદીના પુલ પર BSF ટ્રક, ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે ત્રિપલ અકસ્માત, 4 જવાનો ઈજાગ્રસ્ત