યાત્રાધામ અંબાજી નજીક વળાંકો માટે જાણીતા ત્રિશુલિયા ઘાટ ફરી એકવાર અકસ્માતને લઈને ચર્ચામાં આવ્યો છે.ગઈકાલે મોડી રાત્રે ત્રિશુલિયા ઘાટ પરથી પસાર થઈ રહેલી સિમેન્ટના પિલર ભરેલી એક ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી.આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક ગૌવંશનું પણ ટ્રકની ચપેટમાં આવી જવાથી કરૂણ મોત થયું છે.

અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર અકસ્માત

મળતી માહિતી અનુસાર આ ટ્રક અંબાજીથી દાંતા તરફ જઈ રહી હતી.તે સમયે મોડી રાત્રિના સુમારે ત્રિશુલિયા ઘાટના હનુમાનજી મંદિર નજીક પહોંચતાં ડ્રાઇવરે અચાનક ટ્રકના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.વાહન પરનો કાબૂ છૂટી જતાં સિમેન્ટના ભારે પિલર ભરેલી ટ્રક રસ્તા પર પલટી મારી ગઈ હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકની કેબિનનો ભુક્કો બોલી ગયો હતો અને તેમાં સવાર ડ્રાઇવરને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.આ સાથે જ માર્ગ પર રહેલું એક ગૌવંશ પણ ટ્રકની ચપેટમાં આવી જતાં તેનું પણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ અર્થે સ્થળ પર દોડી આવ્યા હતા. 

થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાયો

મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતને પગલે ત્રિશુલિયા ઘાટ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.બનાવ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતાં દાંતા અને અંબાજી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પોલીસે સ્થાનિકોની મદદથી ક્રેન મારફતે પલટી ગયેલી ટ્રકને માર્ગ પરથી હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.પોલીસે મૃતક ડ્રાઇવરના મૃતેદહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકના સરકારી દવાખાને મોકલી આપીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અંબાજી-દાંતા માર્ગ પર આવેલો ત્રિશુલિયા ઘાટ તેના વળાંકોના કારણે વારંવાર અકસ્માતોનું કેન્દ્ર બને છે. જેમાં મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચોઃ Gir Somnath News: રિસોર્ટના નામે ચાલતા ગોરખધંધા પર LCBની તવાઈ, અમદાવાદના 9 જુગારી ઝડપાયા