ભાવનગરમાં લઠ્ઠાકાંડની તપાસ તેજ બની છે. તેવામાં ફરીવાર દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસની ટીમે બાતમીના આધારે તળાજામાં આવેલા ગેલ અંબે માતાજીના મંદિર પાછળ વેણકા ખાતે આવેલી બાવળની કાંટમાંથી 38 હજારની કિંમતની વિદેશી દારૂની 348 નંગ બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન દકાના ગામનો પુનાભાઈ મનાભાઈ મકવાણા નામનો શખ્સ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો કબજે કરી આદિપુરમાં ઝડપાયેલી દારૂની ગેરકાયદે ફેક્ટરી સાથે તળાજામાંથી મળી આવેલી રોયલ ચેલેન્જ બોટલોનું કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ તેજ કરાઈ
ભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના આઈજી ગગનદીપ ગંભીરની અધ્યક્ષતામાં સતત મેરેથોન બેઠક ચાલી રહી છે. આ લઠ્ઠાકાંડની તપાસમાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. સતત બીજા દિવસે પણ કસૂરવાર પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. SMC ની આ આકરી તપાસને પગલે આગામી ૨૪ કલાકમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે મોટી શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.
