ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અશ્લીલ અને અભદ્ર મેસેજ મોકલવાના વિવાદને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો હતો. મહિલાઓને અશ્લીલ મેસેજ કરવાના મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે પીડિત પરિવાર જ્યારે સમાધાન કરવા માટે પહોંચ્યો ત્યારે અચાનક વિવાદ વધી ગયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
ઘરમાં બોલાવીને યુવક પર છરી વડે જીવલેણ હુમલો
સમાધાનની વાતચીત દરમિયાન આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈને પીડિત પરિવારને ઘરની અંદર બોલાવવામાં આવ્યા હતા. ઘરમાં પ્રવેશતા જ તેમને ધક્કો મારીને નીચે પાડી દેવામાં આવ્યા હતા અને અશ્લીલ મેસેજ મોકલનારના પરિવારજનો દ્વારા યુવક ઉપર અચાનક છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
