સોશિયલ મીડિયા પર ઊંચા વળતર અને જૂની વસ્તુઓ વેચીને રાતોરાત કરોડપતિ બનવાની લોભામણી જાહેરાતો કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો ભાવનગર જિલ્લામાંથી સામે આવ્યો છે. સિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) ગામે રહેતા અને ટપાલ વિભાગમાંથી નિવૃત્ત થયેલા ૭૦ વર્ષીય વૃદ્ધ સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ જતાં તેમણે પોતાની જીવનભરની કમાણીમાંથી રૂ. 23 લાખથી વધુની માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.

ફેસબુક રીલ્સ બની છેતરપિંડીની જાળ

પોસ્ટ ઓફિસમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ શીવલાલભાઈ ગોવીંદભાઈ સોલંકી પોતાના મોબાઈલમાં ફેસબુક રીલ્સ જોઈ રહ્યા હતા. તે દરમિયાન જૂના સિક્કા ઊંચી કિંમતે ખરીદવાની એક આકર્ષક જાહેરાત તેમના ધ્યાને આવી હતી. શીવલાલભાઈ પાસે જૂના સિક્કા સંગ્રહાયેલા હોવાથી તેમણે રીલ્સમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો.સામેથી ‘સવિતા’ નામની મહિલાએ વાતચીત કરી સિક્કાના ફોટા મંગાવ્યા હતા અને ખાતરી આપી હતી કે આ સિક્કા કંપની રૂ. 60 લાખમાં ખરીદી લેશે. શરૂઆતમાં પ્રોસેસ શરૂ કરવા માટે કંપની રજિસ્ટ્રેશન ફી પેટે માત્ર રૂ. 500 ઓનલાઈન મંગાવવામાં આવ્યા હતા.

કટકે-કટકે 23 લાખ પડાવ્યા

એકવાર વિશ્વાસ બેસી ગયા બાદ સાયબર ઠગોની આખી ગેંગ સક્રિય થઈ ગઈ હતી. સવિતા ઉપરાંત અમનકુમાર, પંકજકુમાર ભદોરિયા, પૂજાબેન અને રાજ સાની નામના અલગ-અલગ ઠગોએ અવારનવાર ફોન કરીને શીવલાલભાઈને આ સિક્કાની કિંમત રૂ. 1 કરોડ સુધી અપાવવાની લાલચ આપી હતી.

 વૃદ્ધને પોતે છેતરાયાનો અહેસાસ થયો

ત્યારબાદ આરબીઆઈ ક્લિયરન્સ, જીએસટી, ટેક્સ અને પ્રોસેસિંગ ફી જેવા જુદા-જુદા બહાના હેઠળ અલગ-અલગ બેંક ખાતા તેમજ ગૂગલ પે મારફતે કટકે-કટકે લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા વૃદ્ધ પાસે હાલ રૂ. ૪.૭૯ લાખના વ્યવહારોના સીધા ડિજિટલ પુરાવા હાથવગા છે, જ્યારે કુલ 23 લાખથી વધુની રકમ ઓનલાઈન પડાવી લેવામાં આવી છે. પૈસા ચૂકવવા છતાં એકપણ રૂપિયો પરત ન મળતાં વૃદ્ધને પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો. ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે તમામ બેંક ખાતા અને મોબાઈલ નંબર ટ્રેસ કરી આરોપીઓને ઝડપી લેવા કવાયત તેજ બનાવી છે.

આ પણ વાંચો: Rajkot: સદભાવના ટ્રસ્ટે શરૂ કરી રાહત દરની લેબોરેટરી, મેડિકલ માફિયા અને ભેળસેળિયાઓને મંત્રી પ્રફુલ પાનસેરીયાની કડક ચેતવણી