ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગર શહેરની પ્રખ્યાત સોની માર્કેટમાંથી અંદાજે રૂ. 16 લાખથી વધુ કિંમતના કિંમતી સોના અને હીરાના દાગીનાની તફડંચી થતાં સમગ્ર વેપારી આલમમાં ભારે અરેરાટી અને રોષ ફેલાઈ ગયો છે.
શેરડીપીઠના ડેલામાં આવેલી 'કોલકાતા પોલિશ' દુકાન બની નિશાન
મળતી માહિતી મુજબ, આ ચોરીની ઘટના ભાવનગર શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા શેરડીપીઠના ડેલામાં આવેલ સંત કૃપા કોમ્પ્લેક્સમાં ચાલતી 'કોલકાતા પોલિશ' નામની દુકાનમાં બની હતી. અહીં સોના-ચાંદીના દાગીના પોલિશ કરવાનું કામ કરવામાં આવે છે, જ્યાં તસ્કરોએ ખૂબ જ ચતુરાઈથી આ ઘટનાને અંજામ આપ્યો હતો.
કારીગર પાસેથી પોલિશ કરેલા દાગીના લઈને શખ્સો ફરાર
ઘટનાની વિગતો અનુસાર, 'કોલકાતા પોલિશ' ની દુકાને કામ કરતા બંગાળી કારીગર પાસે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. આ શખ્સો પોલિશ કરેલા દાગીના લેવાના બહાને કારીગરને વિશ્વાસમાં લઈ તૈયાર કરાયેલા કિંમતી ઘરેણાં લઈને પલાયન થઈ ગયા હતા.

12 તોલા સોનું અને રિયલ ડાયમંડના દાગીના ચોરાયા
તસ્કરો દ્વારા આચરવામાં આવેલી આ ચોરીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ સેરવાઈ ગયો છે. આ ચોરીમાં કુલ 12 તોલા સોનું (જેની અંદાજીત કિંમત ₹15 થી ₹16 લાખ થાય છે) તેમજ રિયલ ડાયમંડ (હીરા) જડિત અત્યંત કિંમતી દાગીના ચોરાયા છે. જેમાં મુખ્યત્વે 4 સોનાની બંગડીઓ, 4 પેન્ડન્ટ અને 2 થી 3 વીંટીઓ સહિતના કિંમતી ઘરેણાંનો સમાવેશ થાય છે.
સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન
આ સમગ્ર ગંભીર ચોરીની ઘટના દુકાન અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અજાણ્યા શખ્સો દાગીના લઈને ભાગતા નજરે પડતા સ્પષ્ટ સીસીટીવી વિડિયો ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે અને ગુનેગારોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Bhavnagar News : મફતનગરના મકાનમાં ચાલતું હતું ડ્રગ્સનું નેટવર્ક, એન્ટી નાર્કોટિક્સ ટીમે ઝડપ્યા 12 છોડ