બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાંથી સરકારી અનાજની ગેરકાયદે સંગ્રહખોરી અને કાળા બજારીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. બરવાળાના ખારો વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાં સરકારી અનાજનો બિનહિસાબી જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી પુરવઠા વિભાગને મળી હતી. માહિતીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સરપ્રાઇઝ રેડ કરી હતી.

રૂ. 32,076ની કિંમતનો અનાજનો જથ્થો સીઝ કરાયો

પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન મકાનમાંથી ગેરકાયદે રાખવામાં આવેલો ઘઉં, ચોખા અને બાજરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા સ્થળ પરથી મળેલા તમામ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ આ સીઝ કરવામાં આવેલા જથ્થાની કુલ સરકારી કિંમત રૂ. 32,076 આંકવામાં આવી છે.

Botad News: Government Grain Seized in Barwala, 1,109 KG Ration Seized

મકાનમાંથી મળી આવ્યો 1,109 કિલોનો સરકારી અનાજનો જથ્થો

અસલમ અલારખાભાઈ મરેકડા નામના ઈસમના રહેણાક મકાનમાંથી તપાસ દરમિયાન કુલ 1,109 કિલો અનાજ મળી આવ્યું હતું.

  • ઘઉં: 699 કિલો
  • ચોખા: 374 કિલો
  • બાજરી: 36 કિલો

જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે આ તમામ 1,109 કિલો અનાજ ગેરકાયદેસર હોવાનું જણાતાં તેને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Botad News: Government Grain Seized in Barwala, 1,109 KG Ration Seized

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ

ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આવતા સરકારી રેશનિંગના અનાજનો ગેરકાયદે ઉપયોગ અને સંગ્રહ કરવા બદલ આરોપી સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ મામલે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અનાજ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને વેચવાનો પ્લાન હતો તે અંગે પણ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો: Botad News: ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત રંગ લાવી, જિલ્લામાં બનશે અધતન સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ