બોટાદ જિલ્લાના જાળીલા ગામના પૂર્વ ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની પૂર્વઆયોજિત કાવતરું રચીને કરવામાં આવેલી હત્યાના ચકચારી કેસમાં અદાલતે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બોટાદની બીજી એડિશનલ એન્ડ સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ મૃતકના પુત્રએ ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

મનજીભાઈ સોલંકીની હત્યા કરાઈ હતી

બોટાદ જિલ્લાના જાળીલા ગામના પૂર્વ ઉપસરપંચ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 19 જૂન, 2019ના રોજ નવ શખ્સોએ ભેગા મળીને પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. જૂની અદાવત રાખવામાં આવતી હતી તેમજ અગાઉ થયેલા કોર્ટ કેસોમાં સમાધાન નહીં કરવા બદલ મનજીભાઈ સોલંકીની હત્યા કરાઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.

પાઇપ વડે ઘાતકી અને જીવલેણ હુમલો

બનાવ વખતે મનજીભાઈ પોતાની મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ મારુતિ ઝેન કારથી તેમની મોટરસાઇકલને ટક્કર મારીને નીચે પાડી દીધા હતા. મોટરસાઇકલ પરથી નીચે પડ્યા બાદ આરોપીઓએ લાકડીઓ અને લોખંડના પાઇપ વડે તેમના પર ઘાતકી અને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઇજાઓ થવાથી પૂર્વ ઉપસરપંચ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

41 સાક્ષીઓની જુબાની લેવામાં આવી 

આ સમગ્ર હત્યા કેસ બોટાદની બીજી એડિશનલ એન્ડ સ્પેશિયલ (એટ્રોસિટી) કોર્ટ સમક્ષ ચાલવા પર આવ્યો હતો. કેસની ન્યાયિક કાર્યવાહી અને સુનાવણી દરમિયાન અદાલતમાં 41 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી તથા કેસના સમર્થનમાં 141થી વધુ મહત્વના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. 

9 આરોપીઓને આજીવન કેદની સજા

કોર્ટે તમામ સાક્ષીઓ અને પુરાવાઓને આધારે તમામ આરોપીઓને આઈપીસી કલમ 302, કલમ 120(બી) તથા એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે તમામ 9 આરોપીઓને આજીવન કેદની સજા તેમજ પ્રત્યેક આરોપીને રૂ. 5 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. અદાલતના આ કડક ફેંસલા બાદ મૃતકના પુત્રએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને ન્યાયતંત્રનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. 


આ પણ વાંચો :    Explainer : અમેરિકામાં ડેમોક્રેટ્સની સરસાઈથી ટ્રમ્પ સામે 5 મોટા પડકાર, ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો, ભારતને શું અસર ?