આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને તેના પર થતી નાની-નાની ચર્ચાઓ વેરઝેર અને હત્યા સુધી કેવી રીતે દોરી જાય છે, તેનો એક અત્યંત ચિંતાજનક કિસ્સો બોટાદ શહેરમાંથી સામે આવ્યો છે. વિગતો મુજબ, હત્યા કરનાર મુખ્ય આરોપીની બહેનના મોબાઇલ પર ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. આ બાબતને લઈને યુવકો વચ્ચે અગાઉ ભારે માથાકૂટ અને તકરાર થઈ હતી. આ વિવાદ દિવસેદિવસે વકરી રહ્યો હોવાથી, મામલો થાળે પાડવા અને શાંતિપૂર્વક સમાધાન કરવા માટે આજે બંને પક્ષોએ એક બેઠકનું આયોજન કર્યું હતું.
ખસ રોડ પર બોલાચાલી બાદ મામલો બીચક્યો
મૃતક અને બે ઇજાગ્રસ્ત યુવાનો સામા પક્ષના આશરે ૫ જેટલા લોકો સાથે વાતચીત કરવા માટે બોટાદના ખસ રોડ પર એકઠા થયા હતા. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે સામાન્ય ચર્ચા ચાલી રહી હતી, પરંતુ થોડી જ વારમાં ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ્સ અને રિક્વેસ્ટના મુદ્દે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. વાત આટલેથી ન અટકતા, સામા પક્ષના શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે લાવેલા તીક્ષ્ણ હથિયારો વડે આડેધડ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર ઘા વાગવાના કારણે એક યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલા અન્ય બે લોકો લોહીથી લથપથ થઈ ગયા હતા.
