સુરત શહેરમાં કુદરતી આપત્તિના રૂપે આવેલું પૂર હવે કાળમુખું સાબિત થઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યારે અનેક દુકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે દુકાન દારોને  આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.  હવે જ્યારે પૂરના પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા છે, ત્યારે તેની પાછળ તબાહીના બિહામણા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સરકારી આંકડાઓ અને સ્થાનિક સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ નવી કેઝ્યુઅલ્ટી સામે આવતાની સાથે જ સુરતમાં પૂરના કારણે સત્તાવાર રીતે મૃત્યુ પામનારાઓનો આંકડો વધીને 41 પર પહોંચી ગયો છે, જેને કારણે વહીવટી તંત્ર પણ દોડતું થયું છે.

ભેસ્તાન, લીંબાયત અને સારોલીમાં સ્થિતિ સૌથી ખરાબ

શહેરના શ્રમિક અને મધ્યમવર્ગીય વિસ્તારો જેવા કે લીંબાયત, ખરવાસા, સારોલી અને ભેસ્તાનમાં પૂરના પાણી કમરતોડ ભરાયા હતા. આ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી અને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા સેંકડો લોકો ફસાયા હતા. પાણી ઓસરતા જ ગલીઓ, કાદવ-કીચડ અને વહેતા પ્રવાહની આસપાસથી લાશો મળવાનો સિલસિલો શરૂ થયો છે. અનેક પરિવારોએ પોતાના કમાતા વડીલો અથવા માસૂમ બાળકોને ગુમાવ્યા છે, જેના કારણે પ્રભાવિત વિસ્તારોમાં ભારે શોક અને આક્રંદનો માહોલ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે, જ્યાં સગા-સંબંધીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

આર્થિક કમર તૂટી, તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ

આ પૂરે માત્ર માનવ જિંદગીઓ જ નથી છીનવી, પરંતુ સુરતના આર્થિક માળખાને પણ મોટો ફટકો માર્યો છે. સારોલી અને આસપાસના ટેક્સટાઇલ ગોડાઉનો તેમજ સ્થાનિક દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓનું કરોડો રૂપિયાનું કાપડ અને અન્ય માલસામાન સડી ગયો છે. હાલમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે સેનિટેશન અને ક્લિનિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે. આ સાથે જ ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો ગુમ થયેલા અન્ય લોકોની શોધખોળ માટે બોટિંગ અને ડ્રોન સર્વેલન્સ દ્વારા તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: Gurugram : અડધી રાત્રે પોલીસ- ગુનેગારો વચ્ચે 60 રાઉન્ડ ફાયરિંગ, દીપક નાંદલ ગેંગના 4 શૂટર્સ ઠાર