બોટાદ એલસીબી પોલીસે ગેરકાયદે ઓનલાઈન મની ગેમિંગ સિન્ડિકેટ મામલે કાર્યવાહી કરી છે. અગાઉના કેસમાં વધુ એક આરોપીની સંડોવણી બહાર આવતા પોલીસે સંજયભાઈ લખાભાઈ ખેરાળાની અટકાયત કરી છે, અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગેરકાયદે ઓનલાઈન મની ગેમિંગ સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી

બોટાદ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને સાયબર ક્રાઈમ સામે બોટાદ LCB પોલીસ દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઓનલાઈન મની ગેમિંગ મામલે અગાઉ નોંધાયેલા એક કેસની તપાસ દરમિયાન પોલીસને વધુ એક ચોંકાવનારી કડી હાથ લાગી હતી, જેના આધારે પોલીસે આ સિન્ડિકેટમાં સંડોવાયેલા મુખ્ય શખ્સો વિરુદ્ધ સકંજા કસ્યો છે.

એપ્સ અને વેબસાઈટ મારફતે આચરવામાં આવતી ઠગાઈ

આરોપીઓ દ્વારા વિવિધ ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન્સ અને વેબસાઈટ્સનો દૂરઉપયોગ કરી સામાન્ય લોકોને આકર્ષક લાલચો આપી નાણાકીય છેતરપિંડી આચરવામાં આવતી હોવાનો મોટો ખુલાસો થયો છે. આ રેકેટ એટલા મોટા પાયે ફેલાયેલું હતું કે તેમાં અનેક લોકો ભોગ બન્યા હોવાની આશંકા છે. આ ગંભીર બાબતને ધ્યાને રાખી પોલીસે The Promotion and Regulation of Online Gaming Act, 2025 હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી સંજય ખેરાળાની અટકાયત, લેપટોપ જપ્ત

આ કેસમાં અગાઉના ગુનામાં સંડોવણી સ્પષ્ટ થતાં બોટાદ એલસીબી પોલીસે સંજયભાઈ લખાભાઈ ખેરાળા નામના આરોપીની સફળતાપૂર્વક અટકાયત કરી લીધી છે. પોલીસ દ્વારા તેની પાસેથી 20000 રૂપિયાની કિંમતનું એક લેપટોપ સહિત અન્ય શંકાસ્પદ મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે જ આ રેકેટમાં સામેલ અન્ય એક આરોપી મનસુખભાઈ પુનાભાઈ રોજાસરાની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી તેની શોધખોળ અત્યંત તેજ કરવામાં આવી છે.

Botad News One accused arrested in illegal online money gaming syndicate case

બેંક એકાઉન્ટ્સ અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ

પકડાયેલા આરોપી સંજય ખેરાળા તેમજ તેના સગા-સંબંધીઓ અને મિત્રોના વિવિધ બેંક એકાઉન્ટ્સમાં થયેલા શંકાસ્પદ વ્યવહારોને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સંકળાયેલા છે અને કેટલા નાણાંની હેરાફેરી થઈ છે તે દિશામાં પોલીસે તપાસના તાર લંબાવ્યા છે.

એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસની સફળ કામગીરી

આ સમગ્ર ઓપરેશન બોટાદ LCB PI જી. એમ. પાવરાના સચોટ માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું છે. ઓનલાઈન મની ગેમિંગ અને સાયબર નેટવર્ક વિરુદ્ધ પોલીસની આ પ્રકારે ઝુંબેશ તેજ થતાં આ ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા અન્ય શખ્સો અને બુટલેગરો તથા ઓપરેટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો: Botad News: રાજપરા ગામ પાસે કેનાલમાં ન્હાવા પડેલા વૃદ્ધ ડૂબ્યા, અઢી કલાક બાદ મળ્યો મૃતદેહ