છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદે ખનન અને સફેદ રેતીના કાળા કારોબાર સામે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને લાલ આંખ કરી છે રજાના દિવસોનો ફાયદો ઉઠાવીને રેતી માફિયાઓ નદીના પટમાંથી મોટા પાયે ચોરી કરી રહ્યા હોવાની બાતમી મળતાં જ કલેક્ટરે અલગ-અલગ ટીમો બનાવીને ઠેર-ઠેર ઓચિંતા દરોડા પાડ્યા હતા. કલેક્ટરની આ આકરા પાણીએ કરાયેલી મોટી કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ખનીજ વિભાગની ટીમે પણ ફિલ્મી ઢબે આ ટ્રેક્ટરોનો પીછો કર્યો
આ રેડ દરમિયાન ભારે હાઈવોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો હતો. ખનીજ વિભાગની ટીમે જ્યારે ગેરકાયદે રેતી ભરીને જતા ટ્રેક્ટરોને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે માફિયાઓએ વાહનો ભગાડ્યા હતા. ખનીજ વિભાગની ટીમે પણ ફિલ્મી ઢબે આ ટ્રેક્ટરોનો પીછો કર્યો હતો.
ચાલુ ટ્રેક્ટરે જ રોડ પર રેતી ઠાલવવાનું શરૂ કર્યું
પકડાઈ જવાના ડરથી બચવા માટે માફિયાઓએ ચાલુ ટ્રેક્ટરે જ રોડ પર રેતી ઠાલવવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર રોમાંચક દ્રશ્યોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
ખનીજ ચોરી કરતા કુલ 33 વાહનો જપ્ત
તંત્રે કડક કાર્યવાહી કરીને છેલ્લા 24 કલાકમાં જ ખનીજ ચોરી કરતા કુલ 33 વાહનો જપ્ત કર્યા છે, જેમાં 16 ટ્રેક્ટર અને 17 ટ્રકનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોને સીઝ કરીને લાખો રૂપિયાનો દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કુદરતી સંપત્તિની ચોરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે
કલેક્ટર ગાર્ગી જૈને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જિલ્લાની કુદરતી સંપત્તિની ચોરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રહેશે અને ગેરકાયદે ખનન કરનારા તત્વો સામે કડક આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગા કરવામાં આવશે. તંત્રની આ ઝુંબેશથી સ્થાનિક સ્તરે પ્રામાણિક નાગરિકોમાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર