દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલા તોયણી ગામ નજીક દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે કોરિડોર પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂરઝડપે દોડી રહેલી વિદેશી દારૂ ભરેલી એક કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર હાઈવેની સુરક્ષા રેલિંગ તોડીને સીધી નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માત બાદ માર્ગ પર વિદેશી દારૂની બોટલો વેરવિખેર થઈ

કાર નીચે ખાબકતા જ તેમાં ગેરકાયદે ભરેલી વિદેશી દારૂની બોટલો રોડ અને આસપાસની ખુલ્લી જગ્યામાં વેરવિખેર થઈ ગઈ હતી. ઘટના બાદ અકસ્માતનો લાભ ઉઠાવીને કાયદાની ગિરફ્તમાંથી બચવા માટે કાર ચાલક અકસ્માતગ્રસ્ત કારને સ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

પીપલોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

ઘટના અંગેની જાણ થતાં જ પીપલોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારને કવર કર્યો હતો અને કાર તેમજ વેરવિખેર પડેલી વિદેશી દારૂની બોટલોનો જથ્થો કબ્જે કરવાની કામગીરી હાથ ધરી હતી.

Dahod News: Liquor-Laden Car Crashes on Delhi-Mumbai Highway in Devgadh Baria

8.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ તેજ કરી

પીપલોદ પોલીસે ઘટના સ્થળેથી અકસ્માતગ્રસ્ત કાર અને વિદેશી દારૂનો જથ્થો મળીને એકંદર રૂ. 8.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે અજાણ્યા કારચાલક તથા દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ઈસમો સામે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Dahodના લીમખેડામાં દબાણ હટાવવા તંત્રનો સપાટો, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન શરૂ, 7 સપ્ટેમ્બરથી ચાલશે બુલડોઝર!