ભાવનગર સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં ચુકાદો આપ્યો છે. અદાલતે ગારીયાધારના ખાખરીયા ગામના અશોક ઉર્ફે ભોથીયો રાઠોડ સામે ગુનો સાબિત થતાં તેને 20 વર્ષની સખ્ત કેદ ફટકારી છે. આ ઉપરાંત અદાલતે ભોગ બનનાર સગીરાને રૂ. 4 લાખનું આર્થિક વળતર ચૂકવવા માટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે.
સગીરાનું અપહરણ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ
પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2021 દરમિયાન ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 15 વર્ષ અને 10 માસની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ખાખરીયા ગામના અશોક ઉર્ફે ભોથીયો રાઠોડ નામના શખ્સે સગીરાનું અપહરણ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે ગારીયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ઘટના અંગે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરીને અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
અદાલતે અશોક રાઠોડને કસૂરવાર ઠેરવ્યો
આ કેસની સુનાવણી ભાવનગર સ્પેશિયલ પોક્સો કોર્ટના એડિશનલ સેશન્સ જજ એન.જી. દવે સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલો દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરાઈ હતી અને પુરાવાઓ ટાંકવામાં આવ્યા હતા. સરકારી વકીલની દલીલો તેમજ તમામ પુરાવાઓને ધ્યાને લઈને અદાલતે અશોક રાઠોડને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે તમામ સાક્ષીઓ અને પુરાવાઓ માન્ય રાખી આરોપી સામેનો ગંભીર ગુનો સાબિત થયો હોવાનું ઠેરવ્યું હતું અને ચુકાદો આપ્યો હતો.
અશોક ઉર્ફે ભોથીયા રાઠોડને 20 વર્ષની સખ્ત કેદની સજા
ભાવનગર સ્પે. પોક્સો અદાલતે આરોપી અશોક ઉર્ફે ભોથીયા રાઠોડને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. આ સાથે અદાલતે વિક્ટિમ કમ્પેન્સેશન એક્ટ હેઠળ ભોગ બનનાર સગીરાને રૂ. 4 લાખનું વળતર ચૂકવવા માટેનો પણ હુકમ કર્યો હતો. અદાલતે ચુકાદામાં જણાવ્યું કે સગીરા સાથે આચરેલા આવા જઘન્ય ગુનામાં કડક સજા થવી જરૂરી છે જેથી સમાજમાં દાખલો બેસે. આમ, ત્રણ વર્ષ જૂના દુષ્કર્મ કેસમાં અદાલતે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ પણ વાંચો : Supreme Court : સંમતિથી બનેલો સંબંધ બ્રેકઅપ પછી દુષ્કર્મ નથી, તે પુરુષોની સ્વતંત્રતાને અસર કરે છે