ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારની બદીને નાથવા માટે સ્થાનિક ગુના શોધક શાખા (LCB) અને પેરોલ ફર્લો સ્ટાફે સંયુક્ત રીતે ધાકધમકી વગર કડક કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે તાલાળા અને કોડીનાર તાલુકામાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને જુગાર રમી રહેલા 13 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
તાલાળાના રાતીધારમાં દરોડો, 10 ઝડપાયા
LCBની ટીમે પ્રથમ દરોડો તાલાળા તાલુકાના રાતીધાર ગામમાં પાડ્યો હતો. જ્યાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા જુગારના અડ્ડા પરથી પોલીસે 10 શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી 52,150 રૂપિયાની રોકડ રકમ તેમજ જુગારનું અન્ય સાહિત્ય અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કોડીનારના આણંદનગરમાં તવાઈ, 3 ઝડપાયા
બીજી તરફ, કોડીનારના આણંદનગર વિસ્તારમાં પણ જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ સ્થળેથી પોલીસે જુગાર રમતા 3 શખ્સોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 23,200 રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી.

કુલ 75,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
બંને સ્થળો પરથી પોલીસે કુલ 13 આરોપીઓની અટકાયત કરી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 75,350 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા તાલાળા અને કોડીનાર બંને પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુના નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Gir somanth : સુત્રાપાડામાં આશ્રમનાં કુંડમાં ડૂબી જતા હોસ્ટેલમાં રહેતા ધો. 9ના વિદ્યાર્થીનું મોત