સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ એવા પોશીના વિસ્તારના કાલિકાંકર ગામે પોલીસે બાતમીના આધારે સફળ દરોડો પાડ્યો છે. પોશીના પોલીસે ખેતીની આડમાં ચાલતા ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કરી કપાસના ખેતરમાંથી લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લામાં સાડા ચાર કરોડ રૂપિયાથી વધુનો લીલો ગાંજો ઝડપાયો છે, જે પોલીસની કડક કામગીરી દર્શાવે છે.
322 કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને ત્રણ આરોપીઓની ધરપકડ
પોશીના પોલીસે કાલિકાંકર ગામના પાંડોળા ફળો વિસ્તારમાં દરોડો કરીને કુલ 36,86,000 રૂપિયાથી વધુ કિંમતનો 322 કિલો લીલા ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ ગેરકાયદે વાવેતર કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.
- જયેશ લાલુ ગમાર (રહે. કાલિકાંકર, પાંડોળા ફળો, પોશીના, સાબરકાંઠા)
- અર્જુન સંગ્રામ ગમાર (રહે. કાલિકાંકર, પાંડોળા ફળો, પોશીના, સાબરકાંઠા)
- ગોવિંદ અંગ્રેજ ગમાર (રહે. કાલિકાંકર, પાંડોળા ફળો, પોશીના, સાબરકાંઠા)
એલસીબી અને એસઓજીની સંયુક્ત કડક કાર્યવાહી
સાબરકાંઠા જિલ્લામાં ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે એલસીબી (LCB), એસઓજી (SOG) તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અંતરિયાળ વિસ્તારોમાં ખેતીના પાકની આડમાં ગાંજાનું વાવેતર કરતા તત્વોમાં આ કાર્યવાહીથી ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Sabarkantha News: કપાસની આડમાં નશાનું વાવેતર, પોશીનામાંથી 2 કરોડથી વધુનો લીલો ગાંજો ઝડપાયો