સાબરકાંઠાના દોલગઢ નજીક ગત સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે મોટો ખુલાસો થયો છે. ઈડર તાલુકાના હિંમતનપુર ગામનો રહેવાસી ભરત પટેલ દારૂના કાળઝાળ નશામાં ધૂથ થઈને પોતાની મોંઘીદાટ સ્કોર્પિયો કાર બેફામપણે હંકારી રહ્યો હતો. આ કાળમુખી કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા 12 જેટલા શ્રદ્ધાળુ પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળ્યા હતા. આ દર્દનાક હોનારતમાં એક નિર્દોષ પદયાત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગુસ્સે ભરાયેલા લોકોએ રોડ પર ઢસડીને ડ્રાઈવરને ઢોરમાર માર્યો
અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરનાર કાર ચાલક ભરત પટેલને ઘટનાસ્થળે હાજર રોષે ભરાયેલા પદયાત્રીઓ અને સ્થાનિક લોકોએ ઝડપી લીધો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ઉશ્કેરાયેલા ટોળાએ આ નશાખોર ચાલકની બરાબરની ‘ખાતેદારી’ કરી નાખી હતી. લોકોએ દારૂડિયા ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી, રસ્તા પર ઢસડી-ઢસડીને પટકીને ઢોરમાર માર્યો હતો. મોંઘીદાટ કારના ચાલકની જાહેરમાં ધોલાઈ કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
