અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આગામી ભાદરવી પૂર્ણિમાના પવિત્ર અવસરને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પવિત્ર પૂનમના દિવસે કાળિયા ઠાકોરના દર્શને આવતા લાખ્ખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને મંદિર પોતાના નિયત સમય કરતાં એક કલાક વહેલું ખોલવાનો નિર્ણય લેવાયો છે. આ દિવસે મંદિર સવારે 5:00 કલાકે જ ભક્તો માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે, જેથી દૂર-દૂરથી ચાલીને આવતા પદયાત્રીઓ સરળતાથી અને સુગમતાથી ભગવાન શામળિયા સેઠના દર્શન કરી શકે.

મંગળા આરતીથી રાજભોગ સુધીનું સમયપત્રક

ભાદરવી પૂનમના દિવસે મંદિરના મુખ્ય ધાર્મિક કાર્યક્રમો અને આરતીના સમય અંગે વિસ્તૃત વિગતો જાહેર કરાઈ છે. સવારે 5:00 વાગ્યે મંદિર ખુલી ગયા બાદ 5:45 કલાકે મંગળા આરતી યોજાશે, ત્યારબાદ સવારે 8:30 કલાકે શણગાર આરતી થશે. સવારે 11:30 વાગ્યે રાજભોગ ધરાવવા માટે મંદિરના દ્વાર બંધ થશે, જે બાદ બપોરે 12:15 વાગ્યે રાજભોગ આરતી માટે પુનઃ ખુલશે. બપોરે 1:00 વાગ્યે ઠાકોરજી પોઢી જતાં મંદિર થોડા સમય માટે બંધ રાખવામાં આવશે.

બપોર પછી દર્શન અને શયન આરતીનું શિડ્યુલ

બપોરના વિરામ બાદ બપોરે 2:15 કલાકે ઉત્થાપન વિધિ સાથે મંદિર દર્શન માટે ફરીથી ખુલ્લું મુકાશે. સાંજના સમયે 7:00 વાગ્યે ભવ્ય સંધ્યા આરતી યોજાશે, જ્યારે રાત્રે 8:15 કલાકે શયન આરતી કરવામાં આવશે. અંતમાં રાત્રે 8:30 કલાકે મંદિર બંધ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને આ નવા સમયપત્રકની નોંધ લઈને જ દર્શન માટે પધારવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gandhinagar મનપાનું પ્રજાના પૈસાનું પાણી, સેક્ટર 11માં નવો બનેલો રોડ બ્યુટિફિકેશનના નામે ફરી ખોદી નાખ્યો!