સાબરકાંઠા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ઇલોલથી હિંમતનગર તરફ જતા મુખ્ય હાઇવે પર આવેલ હિજરીયું તળાવ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે દોડી રહેલા અજાણ્યા વાહનના ચાલકે પૂરપાટ ઝડપે આવીને રોડ પર જઈ રહેલા એક બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બાઈક સવાર યુવાન ફંગોળાઈને સીધો રોડ પર પટકાયો હતો.
બાઈક ચાલક મયુરસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત
અજાણ્યા વાહનની પ્રચંડ ટક્કર એટલી ભયાનક હતી કે, બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક મયુરસિંહ રણજીતસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ દુર્ઘટનાથી મૃતકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે, અને સ્વજનોમાં આક્રંદ મચી ગયો છે.
આઈકાર્ડના આધારે ઓળખ થઈ, ટ્રાફિક પૂર્વવત કરાયો
અકસ્માતને પગલે હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રોડ પરથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવીને ટ્રાફિક જામને પૂર્વવત કરાવ્યો હતો. દરમિયાન, મૃતક પાસેથી મળી આવેલા આઈકાર્ડના આધારે તેની ઓળખ મયુરસિંહ રણજીતસિંહ રાઠોડ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી હતી.

નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન
અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી છૂટેલા અજાણ્યા વાહન અને તેના ચાલકને શોધી કાઢવા માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને કાયદેસરના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Sabarkantha News: સાબરડેરી અને જિલ્લા બેન્કની ચૂંટણી અનિશ્ચિતતા, દિવાળી બાદ પણ નવી તારીખો જાહેર નથી થઈ