ઉત્તર ગુજરાતના કરોડો રૂપિયાના ટર્નઓવર ધરાવતા સહકારી સામ્રાજ્ય સમાન સાબરડેરી તેમજ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો.મતદાન અને સત્તાવાર જાહેરાતના ગણતરીના કલાકો પહેલાં જ બંને મહત્વની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા અચાનક મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત પ્રાંત અધિકારીની તબિયત અચાનક નાદુરસ્ત થતાં તેઓ રજા પર ઉતરી ગયા હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. 

ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

સાબરડેરી અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવતા બંને સંસ્થાઓના ભાવિ નેતૃત્વ અંગે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.સત્તાવાર રીતે ચૂંટણી અધિકારીની તબિયત નાદુરસ્ત હોવાનું કારણ આગળ ધરીને આ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ દિવાળીનો તહેવાર વીતી ગયા બાદ પણ હજુ સુધી ચૂંટણીની નવી તારીખો જાહેર કરવામાં આવી નથી.આ ઘટનાક્રમને પગલે ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં સત્તાના સમીકરણો અત્યંત ગરમાયા છે અને આંતરિક ખેંચતાણ તેજ બની છે.હાલ સાબરડેરી સાથે જોડાયેલા આશરે 3.25 લાખ પશુપાલકોની નજર આ ચૂંટણી પર ટકેલી છે કે આખરે ડેરીની સત્તાની કમાન કોના હાથમાં જશે અને તંત્ર દ્વારા નવી ચૂંટણી તારીખો ક્યારે જાહેર કરવામાં આવશે.

સહકારી રાજકારણમાં નવા સમીકરણો સર્જાવાના એંધાણ

ચૂંટણી મોકૂફ રહેતાં હવે પ્રદેશ સંગઠન અને સહકારી ક્ષેત્રના સુકાનીઓને અસંતુષ્ટ જૂથોને મનાવવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે વધારાનો સમય મળી ગયો છે.આ મોકૂફીના કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સહકારી રાજકારણમાં રાતોરાત નવાં સમીકરણો રચાઈ રહ્યાં છે.નારાજ ડિરેક્ટરોને અજ્ઞાત સ્થળે લઈ જવાની કે નવા હોદ્દાઓની વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરવાની કવાયત તેજ બની ગઈ છે.હવે નવી તારીખ ક્યારે જાહેર થાય છે અને વહીવટી તંત્ર ક્યારે ચૂંટણી અધિકારીની નિમણૂક કરે છે તેના પર ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકો અને ખેડૂતોની નજર મંડાયેલી છે.

આ પણ વાંચોઃ Surat News: પેરિસ જેવો નજારો આપતા તાપી મેટ્રો બ્રિજ પરથી બુલેટ ટ્રેન સ્ટેશને પહોંચાશે