સાબરકાંઠા જિલ્લામાં નશાકારક પદાર્થો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા 'ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા' મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે પોશીના વિસ્તારમાં એક મોટું અને ચોંકાવનારું ઓપરેશન પાર પાડ્યું છે.
કોટડા ગઢી ગામે કપાસની આડમાં ખેલ
પોશીના તાલુકાના કોટડા ગઢી ગામે એક ખેતરમાં કપાસના પાકની આડમાં ગુપ્ત રીતે ગાંજાનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી LCB ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે બાતમીવાળા ખેતરમાં સઘન રેડ કરી હતી.
967 ગાંજાના છોડ સાથે 345 કિલો જથ્થો જપ્ત
પોલીસની આ સરપ્રાઈઝ રેડ દરમિયાન ખેતરમાંથી અધધ રૂ. 1.72 કરોડ થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેતરમાંથી કુલ 967 ગાંજાના લીલા છોડ તેમજ અંદાજે 345 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
એક આરોપીની ધરપકડ અને ફરાર બે ની શોધખોળ
આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી જ એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેરોજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આ ગંભીર મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની આ લાલ આંખથી નશોનો વેપાર કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
આ પણ વાંચો: Sabarkantha News: હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે ‘DGP Cup 2026’ નો પ્રારંભ