ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.જામનગર શહેરમાં માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાંથી પોલીસે દરોડા પાડીને ₹40.68 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દારૂનો આ કારોબાર ચલાવનાર મુખ્ય સૂત્રધાર જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટર મંજૂબેન બાંભણીયાનો પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશી બાંભણીયા છે.
હોટલ પાછળ આવેલ ગોડાઉનમાં દરોડો પાડ્યો
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે,ગુપ્ત બાતમીના આધારે પોલીસે માનસી હોટલ પાછળ આવેલ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.આ કામગીરી દરમિયાન ગોડાઉનમાંથી વિદેશી દારૂની કુલ 19500 બોટલો મળી આવી હતી.પોલીસે દારૂના જથ્થા 10 બુટલેગરોની સંડોવણી ખુલી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે જે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળ્યો તે કોર્પોરેટરના પુત્ર હિતેશ બાંભણીયાનું છે.સતીષા પીરની દરગાહ નજીક રહેતો હિતેશ ઉર્ફે વાંગો નામચીન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ કુલ 19 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં 2 હત્યા, 2 હત્યાના પ્રયાસ, 5 મારામારી, 4 દારૂબંધી, 1 ધાડ પાડવાની પૂર્વ તૈયારી, 1 જેલ કાયદા/જાહેરનામા ભંગ, 2 જાનમાલના નુકસાન અને 1 કેફી પ્રવાહી પીધેલી હાલતના કેસનો સમાવેશ થાય છે.
