રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ મથકની હદમાં આવતા મોટા દડવા ગામે સામાજિક બદનામી અને બ્લેકમેઇલિંગના કારણે એક જ પરિવારના બે સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 

બે શખ્સોએ પરિણીતાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું 

ઘરના બેડરૂમમાં પાણી પીવા માટે આવેલા વ્યક્તિ સાથેનો વિડીયો ગુપ્ત રીતે ઉતારી, તેને વાયરલ કરવાની અને આડા સંબંધો હોવાના ખોટા આક્ષેપો કરી બે શખ્સોએ પરિણીતાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પરિણીતાએ પોતાની 4 વર્ષની માસૂમ દીકરી સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

નાગજી ઉર્ફે ગડો પરમારે એક વિડીયો મોકલ્યો 

ઘટનાની વિગત એવી છે કે, મોટા દડવા ગામે રહેતા વ્યકતિના વોટ્સએપ પર ગામના જ નાગજી ઉર્ફે ગડો પરમારે એક વિડીયો મોકલ્યો હતો. આ વિડીયોમાં અરવિંદભાઈના જ બેડરૂમમાં તેમની પત્ની ગામના જ અન્ય એક શખ્સ મોહિત ચંદુ બારૈયાને બેડ ઉપર બેસીને પાણી પાતી હોય તેવું દેખાતું હતું. 

અરવિંદભાઈ પાસે મોટી રકમની માંગણી શરૂ કરી 

આ વિડીયો મોહિતે પોતાના મોબાઈલથી ગુપ્ત રીતે ઉતાર્યો હતો. ત્યારબાદ નાગજી અને મોહિતે આડા સંબંધના ખોટા આક્ષેપો કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને અરવિંદભાઈ પાસે મોટી રકમની માંગણી શરૂ કરી હતી.

 મોહિત માત્ર પાણી પીવા આવ્યો હતો અને આડા સંબંધની વાત તદ્દન ખોટી 

પોલીસ અને પરિજનોની પૂછપરછમાં પત્નીએ સ્પષ્ટ કર્યું હતું કે મોહિત માત્ર પાણી પીવા આવ્યો હતો અને આડા સંબંધની વાત તદ્દન ખોટી છે. 

કૂવામાંથી બંને માતા-પુત્રીના મૃતદેહ મળ્યા

જો કે, વિડીયો વાયરલ થવાની ધમકી અને સામાજિક બદનામીના ભારે માનસિક તણાવના કારણે ગત વહેલી સવારે પરિણીતા પોતાની 4 વર્ષની દીકરી સાથે ગુમ થઈ ગઈ હતી. બપોરે ઘર નજીક આવેલા એક કૂવામાંથી બંને માતા-પુત્રીના મૃતદેહ મળી આવતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બંને નરાધમ ઝડપાયા

આ ગંભીર અને સંવેદનશીલ કેસમાં આટકોટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.એમ. રાઠોડે તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસેઆપઘાતની દુષ્પ્રેરણા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને, ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓ નાગજી ઉર્ફે ગડો પરમાર અને મોહિત ચંદુ બારૈયાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.  


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : રેલવે ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ, દેશની પ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન’આજથી દોડશે, વાંચો આ ટ્રેન કઇ રીતે ચાલે છે અને તેના ફાયદા- ગેરફાયદા