જૂનાગઢમાં દરગાહના મુજાવરે એક યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. પીડિતાના જણાવ્યા અનુસાર તેના ગુપ્ત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. આ મામલે લગ્નની ના પાડતાં છરી વડે હુમલો પણ કરાયો હતો. સમગ્ર ઘટના અંગે એ ડિવિઝન પોલીસે તાત્કાલિક બંને આરોપીઓની ધરપકડ કરી છે.

યુવતી દરગાહના મુજાવરના ઘરે અવારનવાર જતી

જૂનાગઢ શહેરમાં બનેલી આ ચોંકાવનારી ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત યુવતી દરગાહના મુજાવરના ઘરે અવારનવાર જતી હતી. આ દરમિયાન મુજાવરે યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. 

યુવતીના ગુપ્ત ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા

આરોપીએ આ સમયગાળા દરમિયાન યુવતીના ગુપ્ત ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા. આ અંગત ફોટા તેમજ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા બાદ આરોપી દ્વારા યુવતીનું માનસિક શોષણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં, આરોપીએ આ ફોટા તેના સગા-સંબંધીઓને મોકલી આપી સમાજમાં વાયરલ કરી દેવાની ખુલ્લી ધમકી આપીને યુવતીને સતત દબાણમાં રાખી હતી.

ઉશ્કેરાયેલા મુજાવરે યુવતી પર છરી વડે હુમલો કરી દીધો 

આ સમગ્ર મામલે પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે આરોપી દ્વારા લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પીડિતાએ જ્યારે આ લગ્નની સ્પષ્ટ ના પાડી દીધી ત્યારે ઉશ્કેરાયેલા મુજાવરે યુવતી પર છરી વડે હુમલો કરી દીધો હતો. છરીથી હુમલો કરી યુવતીને ઈજા પહોંચાડવાનો આક્ષેપ પણ ફરિયાદમાં વિગતવાર દર્શાવવામાં આવ્યો છે. 

યુવતીને સતત ડરાવી

આ વિવાદમાં માત્ર દરગાહનો મુજાવર જ નહીં પરંતુ અન્ય એક વ્યક્તિ પણ સામેલ હતી. આ ગુનાહિત કૃત્યમાં સાથ આપનાર બીજા આરોપીએ પણ યુવતીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી. બંને શખ્સો દ્વારા યુવતીને સતત ડરાવી-ધમકાવીને ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર કરવામાં આવી રહી હતી.

પોલીસે બે આરોપીની ધરપકડ કરી

આખરે મુજાવર અને તેના સાગરીતના ત્રાસથી કંટાળીને ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવીને સમગ્ર આપવીતી અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો. પીડિતાએ આ મામલે સ્થાનિક પોલીસ મથકે પહોંચીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી. યુવતી પર દુષ્કર્મ, છરીથી હુમલો અને ફોટા વાયરલ કરવાની ધમકી સામે ફરિયાદ થતાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. પોલીસે તુરંત તપાસ શરૂ કરી મુખ્ય આરોપી મુજાવર તેમજ ધમકી આપનાર બીજા આરોપી એમ બંને શખ્સોની ધરપકડ કરી લીધી છે. 


આ પણ વાંચો :    Supreme Court : સંમતિથી બનેલો સંબંધ બ્રેકઅપ પછી દુષ્કર્મ નથી, તે પુરુષોની સ્વતંત્રતાને અસર કરે છે