ખેડા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. મહુધા ચોકડી પાસે નાયરા પેટ્રોલ પંપની સામે આવેલા શ્યામ આર્કેડમાંથી પોલીસના વતી લાંચ સ્વીકારતા એક વકીલને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે, જેના કારણે સ્થાનિક પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ગુનો દાખલ ન કરવા માટે માંગ્યા હતા રૂ. 5 લાખ
પ્રાપ્ત વિગતો અનુસાર, મહુધા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI નરેન્દ્રસિંહ ચાવડા સામે ગંભીર આક્ષેપ છે કે, તેમણે એક મામલામાં સમાધાન કરીને ગુનો દાખલ ન કરવા બદલ કુલ રૂ. પાંચ લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં બંને પક્ષો વચ્ચે થયેલી રકઝક અને વાટાઘાટો અંતે આ સોદો રૂ. અઢી લાખમાં નક્કી થયો હતો.
વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિત લાંચ લેતા ઝડપાયા
નક્કી થયા મુજબ લાંચની રકમ સ્વીકારવા માટે વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિત મેદાનમાં આવ્યા હતા. ACB ની ટીમે બાતમીના આધારે છટકું ગોઠવીને વકીલ કાલીદાસ રોહિતને રૂપિયા અઢી લાખની રોકડ લાંચ સ્વીકારતી વખતે જ ઝડપી લીધા હતા. એસીબી દ્વારા લાંચની આ સંપૂર્ણ રકમ સ્થળ પરથી જ સફળતાપૂર્વક રિકવર કરી લેવામાં આવી છે.

ASI નરેન્દ્રસિંહ ચાવડા ફરાર, બંને સામે ગુનો નોંધાયો
આ ટ્રેપ દરમિયાન પોલીસ ASI નરેન્દ્રસિંહ ચાવડા સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે, આ બંને આરોપીઓએ એકબીજાની મિલીભગત અને મદદગારીથી આ ગંભીર ગુનો આચર્યો હતો. ખેડા એસીબી દ્વારા વકીલ અને પોલીસ કર્મચારી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Kheda News : કપડવંજમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, નિરમાલી પાસે રૂ. 22.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો!