ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા હેઠળ આવતા નીરમાલી ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સફળ દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં SMC ની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને 92 પેટીમાં ભરેલી બીયર અને વિદેશી દારૂની કુલ 3,203 નંગ બોટલો/કેન કબ્જે કરી છે. દરોડા દરમિયાન રૂ.7,20,658 કિંમતનો દારૂ અને રૂ.15,00,000 ની કિંમત ધરાવતી હ્યુન્ડાઈ ક્રેટા કાર મળીને કુલ રૂ.22,20,658 નો માતબર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બોગસ નંબર પ્લેટ અને કાળા કપડાનો કીમિયો નિષ્ફળ
બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે આયોજનબદ્ધ કાવતરું રચવામાં આવ્યું હતું. રાજસ્થાનથી લવાઈ રહેલી આ કાર પર મૂળ નંબર પ્લેટ (RJ-27-CQ-7983) ને બદલે ગુજરાત પાસિંગની બોગસ નંબર પ્લેટ (GJ-18-EC-4779) લગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત, કારની અંદર રાખેલા દારૂના બોક્સ પર કાળા રંગનું કાપડ ઢાંકી દેવાયું હતું જેથી બહારથી તપાસ દરમિયાન પોલીસને થાપ આપી શકાય. પોલીસને તલાશી દરમિયાન કારમાંથી ગુજરાત પાસિંગની બીજી એક અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી.
