અમદાવાદ શહેરના માળખાકીય વિકાસમાં વધુ એક મહત્વનું સોપાન ઉમેરાયું છે. વાડજ જંકશન ખાતે રૂ.106 કરોડના માતબર ખર્ચે નવાનિર્મિત વાડજ બ્રિજનું આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિધિવત ઉદ્ઘાટન કરીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લોકાર્પણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીએ પોતે બ્રિજ પર પગપાળા ચાલીને વિઝિટ કરી હતી અને નિર્માણ કાર્યની ગુણવત્તા ચકાસી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
દૈનિક 2 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ
વાડજ ચાર રસ્તા ખાતેથી પસાર થતો વાડજ-ગાંધીઆશ્રમ માર્ગ અતિ વ્યસ્ત હોવાથી અહીં રોજેરોજ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. 735 મીટર લાંબો આ નવો બ્રિજ શરૂ થઈ જતાં દરરોજ આ માર્ગ પરથી પસાર થતાં અંદાજે 2 લાખથી વધુ વાહનચાલકોનો સમય અને ઈંધણ બંને બચશે. વાડજ તરફ જતાં અને ગાંધીઆશ્રમ તરફ આવતા-જતા શહેરીજનોને સિગ્નલ પર ઊભા રહ્યા વિના સડસડાટ પસાર થવાની સુવિધા મળતાં વાહનચાલકોએ ભારે રાહત અને ખુશીની લાગણી વ્યક્ત કરી છે.
