સુરત એરપોર્ટ પરથી એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગ્લુરુ જતી ફ્લાઇટના એક મુસાફરને બોર્ડિંગ ન કરવા દેવાતાં ભારે વિવાદ અને હોબાળો સર્જાયો છે. સાંજે 6:38 વાગ્યે ઉપડનારી ફ્લાઇટ માટે મુસાફર સાંજે 6:20 વાગ્યે જ ગેટ નંબર-6 પર હાજર થઈ ગયો હતો. ફ્લાઇટ ઉપડવામાં હજુ પૂરતો સમય બાકી હોવા છતાં એરલાઇનના સ્ટાફે મુસાફરને અંદર જતાં અટકાવી દીધો હતો અને બોર્ડિંગ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
આજીજી કરવા છતાં પ્રવેશ ના મળ્યો
મુસાફરે ફ્લાઇટ ચૂકવી ના પડે તે માટે એરલાઇન સ્ટાફ તેમજ ત્યાં તૈનાત CISF જવાન સમક્ષ ઘણી કરગરીને આજીજી કરી હતી, તેમ છતાં તેમને અંદર જવા દેવામાં આવ્યો ન હતો. આ બનાવ અંગે મુસાફરે એર ઇન્ડિયા એક્સપ્રેસના સ્ટાફ સામે અત્યંત અસભ્ય, ઉદ્ધત અને ગેરવાજબી વર્તન કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. એરલાઇન કર્મચારીઓ સામાન્ય મુસાફરો સાથે તાનાશાહી વલણ દાખવતા હોવાના વિરોધ સાથે એરપોર્ટ પર વાતાવરણ ગરમાયું હતું.
