ખેડા જિલ્લામાં અગાઉ જિલ્લા પંચાયતના સદસ્યના દારૂ કનેક્શન બાદ હવે કપડવંજ તાલુકા પંચાયતના ભાજપના સદસ્યના પરિવારનું નામ દારૂના ગોરખધંધામાં ખુલતા ચકચાર મચી ગઈ છે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સદસ્ય મફતભાઈ ઝાલાનો પુત્ર લિંકન ઝાલા વિદેશી દારૂની મોટી ખેપ લઈને પસાર થવાનો છે. આ બાતમીના આધારે એસએમસીની ટીમે કપડવંજ-કઠલાલ રોડ પર આવેલા મહોર નદીના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.

પોલીસ એપ્લિકેશને ખોલી પોલ

વોચ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ સફેદ કલરની હ્યુન્ડાઇ ક્રેટા કારને પોલીસે આંતરી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 2160 બોટલો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં કાર પર અમદાવાદ પાસિંગની (GJ-01-KW-2308) નંબર પ્લેટ લગાવેલી હતી. જોકે, અધિકારીઓને શંકા જતા તેમણે ડિજિટલ પ્લેટફોર્મ ઇ-ગુજકોપ (e-GujCop) માં ચેક કરતા આ નંબર ખોટો સાબિત થયો હતો અને કારનો અસલી નંબર મહેસાણા પાસિંગનો (GJ-02-CG-5012) હોવાનો મોટો ખુલાસો થયો હતો.પોલીસ પૂછપરછમાં આરોપી લિંકન ઝાલા અને તેના સાગરીત જીગ્નેશ ઝાલાએ કબૂલાત કરી હતી કે, થવાદના નરેશ રાવળ અને માલપુરના દીપકસિંહ ચૌહાણ નામના બુટલેગરો રાજસ્થાનથી હેરીયર કારમાં આ દારૂ લાવ્યા હતા. ત્યારબાદ કપડવંજના વઘાસ તળાવ પાસે આ જથ્થો લોકલ ડિલિવરી માટે ક્રેટા કારમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 8 સામે ગુનો

SMC એ ઘટનાસ્થળેથી રૂ. 5,95,920 ની કિંમતનો દારૂ, રૂ. 5 લાખની ક્રેટા કાર, 5 નંગ મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 11,31,870 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં નેતાના પુત્ર લિંકન ઝાલા, સપ્લાય કરનાર અને માલ મંગાવનાર સહિત કુલ ૮ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સત્તાધારી પક્ષના નેતાના પુત્ર જ દારૂના ધંધામાં સંડોવાયેલા હોવાથી કાયદો-વ્યવસ્થા અને પક્ષની છબી પર મોટા સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો: Rajkot: 157 લોકોએ સ્વિમિંગ પૂલમાં કર્યા 'મ્યુઝિકલ એક્વા યોગા', 107 મહિલાઓએ લીધો ભાગ