રાજકોટ હંમેશા તેના અવનવા પ્રયોગો અને ઉત્સાહ માટે જાણીતું છે, ત્યારે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર રાજકોટના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પૂલ ખાતે એક અત્યંત રોમાંચક નજારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે લોકો ગ્રાઉન્ડ કે મેટ પર યોગ કરતા હોય છે, પરંતુ રાજકોટની ફિટનેસ ફ્રિક મહિલાઓ અને યુવાનોએ આ વખતે કંઈક હટકે કરવાનો નિર્ણય કર્યો હતો. શહેરના જાણીતા સ્વિમિંગ પૂલ ખાતે મ્યુઝિકલ થીમ આધારિત 'એક્વા યોગા' (પાણીમાં કરાતા યોગ) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મ્યુઝિકલ થીમ પર 107 મહિલાઓનું વોટર બેલેન્સ
આ વિશિષ્ટ કાર્યક્રમની સૌથી મોટી કડી એ હતી કે આજે વિશ્વ સંગીત દિવસ પણ હોવાથી બેકગ્રાઉન્ડમાં શાંત અને આધ્યાત્મિક સંગીતના સૂરો વગાડવામાં આવ્યા હતા. આ મ્યુઝિકલ થીમ પર પ્રોટોકોલ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ કુલ 157 લોકો પાણીમાં ઉતર્યા હતા. જેમાં 107 જેટલી મહિલાઓએ સક્રિયપણે ભાગ લઈને પાણીના ઘર્ષણ વચ્ચે પણ અત્યંત મુશ્કેલ ગણાતા આસનો ખૂબ જ સરળતાથી કર્યા હતા. પાણીની અંદર સંગીતના તાલ પર મેડિટેશન, સ્ટ્રેચિંગ અને શ્વાસ પર નિયંત્રણ રાખવાની આ કળાને જોવા માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ પણ ઉમટ્યા હતા.










