પશ્ચિમ કચ્છ પોલીસ અને ગાંધીધામ લેન્ડ રેવન્યુ વિભાગ દ્વારા સરકારી જમીનોને ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર દબાણકારોથી મુક્ત કરાવવા માટે વ્યુહાત્મક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ કડી હેઠળ ગાંધીધામના દરિયાકાંઠા અને ઔદ્યોગિક વસાહત નજીક આવેલા ખારી રોહર વિસ્તારમાં એક અત્યંત સંવેદનશીલ ગણાતા ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. અહીં સરકારી માલિકીની કિંમતી જમીન પર વર્ષોથી એક ધાર્મિક બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું, જેને હટાવવા માટે તંત્ર દ્વારા અગાઉ કાયદાકીય નોટિસો પણ આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

રાત્રિના સમયે મેગા ઓપરેશન, કાયદાનું કડક પાલન

સ્થાનિક સ્તરે કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં અથવા કોઈ ખોટી અફવાઓ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ આખી કામગીરી માટે 'મોડી રાત'નો સમય પસંદ કરવામાં આવ્યો હતો. મધ્યરાત્રિ બાદ અચાનક જેસીબી (JCB) અને સરકારી ટ્રેક્ટરો સહિતની ભારે મશીનરી સાથે કાફલો ખારી રોહર ખાતે ત્રાટક્યો હતો. ભારે ગુપ્તતા વચ્ચે શરૂ થયેલી આ કામગીરી વહેલી સવાર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી અને વર્ષો જૂનું ગેરકાયદેસર ધાર્મિક માળખું તોડી પાડીને જમીન સરકાર હસ્તક પરત મેળવી લેવાઈ હતી.

250 જવાનોનો લોખંડી બંદોબસ્ત

આ ડિમોલિશન દરમિયાન ક્યાંય પણ ઘર્ષણ કે વિરોધ પ્રદર્શન ન થાય તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પોલીસ ફોર્સ બોલાવી લેવામાં આવી હતી. DYSP કક્ષાના અધિકારીના સીધા સુપરવિઝન હેઠળ અલગ-અલગ પ્લાટૂનના આશરે 250 જેટલા હથિયારધારી અને લાઠીધારી પોલીસ જવાનોએ આખા ખારી રોહર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી અને હાલમાં પણ પરિસ્થિતિ પર ડિજિટલ મોનિટરિંગ અને એસપી કચેરી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો:Gondal: જામવાડી GIDCની 'મિસરી સ્પાઈસીસ' કંપનીમાંથી 1.90 કરોડનો ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો સીઝ